• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ગારિયાધાર નજીક ડમ્પરે અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના જીવ ગયા વાળ કપાવી ગારિયાધારથી નવાગામ જતા હતા ત્યારે થયો અકસ્માત

ભાવનગર, તા.ર1: ગારિયાધાર નજીક ડમ્પરે અડફેટે લેતા બે પિતરાઈ ભાઈનાં મૃત્યુ નીપજ્યાં હતા. બન્ને ભાઈ વાળ કપાવી ગારિયાધારથી નવાગામ જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.

ગારિયાધારથી ચારેક કિલોમીટર દૂર નવાગામ ખાતે રહેતા બે પિતરાઈ ભાઈઓ જયદીપભાઈ હરેશભાઈ ધોળકિયા (ઉં.વ.14), સાહિલ મુકેશભાઈ ધોળકિયા (ઉં.વ.18) ગારિયાધાર ખાતે વાળ કપાવવા પોતાનું મોટર સાઇકલ લઈને ગયા હતા. વાળ કપાવી ગારિયાધાર પરત ફરવા હતા તે વેળાએ ડમ્પર અને મોટર સાયકલનો ગમખ્વાર અકસ્માત થતાં સાહિલભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જયદીપભાઈને ગંભીર ઈજા સાથે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબ મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો છે. સાહિલભાઈ ડમ્પરના ટાયર તળે ચગદાઈ જતાં કરુણ મૃત્યુ થયુ હતું.

મૃતક જયદીપભાઈ ત્રણ ભાઈમાં વચલો હતો. મૃતકના પિતા થોડાક સમય અગાઉ અવસાન પામ્યા છે અને મૃતકના માતા ખેતીમાં ભાગિયું રાખી ત્રણેય પુત્રને મોટા કરી રહ્યાં હતાં. જેમાં અચાનક જયદીપભાઈનું અવસાન થતાં પરિવાર ઉપર આભ ફાટી પડયું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક