જામનગર, તા.13: જામનગરના ગુલાબનગરમાંથી
પોલીસે 1 કિલો 750 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખસને દબોચી લીધો હતો. આ ગાંજો તેણે
અમદાવાદના ઇસમ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે બંને સામે
નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ
સબ ઇન્સ્પેક્ટર ડી. જી. રાજ અને સ્ટાફ પેટ્રાલિંગમાં હતો. ત્યારે ગાંજા અંગેની બાતમી
મળી હતી. જેના અનુસંધાને વોચ ગોઠવીને ગુલાબ નગરના સાંઢિયા પુલ નજીક વીજ કંપનીના સબ
સ્ટેશન પાસેથી હિરેન ગોપાલભાઈ નકુમ નામના 22 વર્ષના ઇસમને ઝડપી પાડયો હતો. તેની પાસેના
થેલાની તલાસી લેતા તેમથી 1 કિલો 760 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની
ધરપકડ કરી તેની પાસે થી રૂ. 17050ની કિંમતનો ગાંજો અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.22050ની
કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીની પૂછપરછમાં ગાંજાનો આ
જથ્થો તેણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા શુભ જોશી પાસેથી મેળવ્યો હોવાનું જણાવતાં પોલીસે
નારકોટીકસ એક્ટ હેઠળ બંને સામે ગુનો નોંધ્યો છે અને શુભ જોશીની શોધખોળ હાથ ધરી છે.
એરગન-તલવાર સાથે રીલ બનાવનાર
બે શખસની ધરપકડ: શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોસિયલ મીડીયામાં
વાયરલ કરનાર બે શખસને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટિમે શોધીને ધરપકડ કરી છે અને સાથે
એરગન અને તલવાર કબજે કરી લીધા છે.
જામનાગરના સાયબર ક્રાઈમ પોલીસ
સ્ટેશનની ટીમ દ્વારા સોશ્યલ મીડીયા ઉપર કોઈ બનાવ ન બને તે માટે સતત ધ્યાન રાખવામાં
આવી રહ્યું છે. જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા
બે શખસ તલવાર અને એરગન સાથે રાખીને જાહેરમાં રીલ બનાવીને સોસિયલ મીડીયામાં વાયરલ કરતા
હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ. પોલીસે દિવ્યરાજાસિંહ જાડેજા અને ઈશ્વરભાઈ ઓડીચ બન્ને
સ્ટંટબાજોને શોધી કજીને અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બન્ને શખસની
પુછપરછ કરતાં આ વિડીયો ચારેક માસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ઉતારીને મુક્યો હોવાનું
સામે આવ્યું હતું.