• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુના કેસની તપાસ સુરેન્દ્રનગર એસ.પી.ને સેંપવા હાઈકોર્ટનો આદેશ

યુવાનનું અકસ્માતમાં મૃત્યુ, હત્યા કે આત્મહત્યા તે વિશે પુન: તપાસ કરવામાં આવશે

અમદાવાદ, તા.15: ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. માર્ચ મહિનામાં બનેલી ચર્ચાસ્પદ ઘટના મામલે મૃતકના પરિવારજનોએ તપાસ સીબીઆઈને સોંપવાની માગ સાથે હાઈકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણીમાં નવો વળાંક આવ્યો છે. હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સુરેન્દ્રનગરના એસપી સુરેન્દ્રનગર પ્રેમસુખ ડેલુને સોંપવા આદેશ કર્યો છે.

કોર્ટનો પ્રથમદર્શી અભિપ્રાય છે કે તપાસ બીજાને આપવી જરૂરી છે. રાજ્યને પણ બીજા કોઈને તપાસ આપવા માટે વાંધો નથી. આથી આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે. જે.ડી.પુરોહિત, ડીવાયએસપી ધાંગધ્રા તેમને મદદ કરશે અને એક નવી તપાસ ટીમ તેઓ બનાવી શકશે. રાજ્ય સરકાર તપાસ નવી તપાસ ટીમને ટ્રાન્સફર કરશે. પ્રેમસુખ ડેલુ, અજિત રાજીયાન, ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની, નીતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમક્ષ મુક્યા હતા. સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. આખરે સિનિયોરીટી અને બન્નેના સામાન્ય સૂચનને આધારે પ્રેમસુખ ડેલુંને તપાસ સોંપાઇ છે. નવી તપાસ કમિટી તા.2થી 15 માર્ચ 2025ની ઘટનાઓની તપાસ કરશે. રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે અકસ્માત મૃત્યુ, તેને આત્મહત્યા હતી કે કુદરતી મોત તે કારણ સહિત જણાવશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુકાશે, જે અંગે 15 ડિસેમ્બરે વધુ સુનવણી યોજાશે. આ કેસની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક