• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

રાજીનામું આપનાર અનેક મંત્રીઓએ ઓફિસો ખાલી કરી

સામાન્ય વહિવટ વિભાગને નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવાઇ

 

અમદાવાદ, તા.16 : ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઇને હવે પડદો ઉંચકાઇ ગયો છે. મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે અને આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. ત્યારે જે મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, એમાંથી કેટલાક મંત્રીઓ ઓફિસ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ નવા મંત્રી માટે ગાડીઓ અને બંગલાની વય્વસ્થા કરવાની સૂચના પણ વહીવટી તંત્રના આપવામાં આવી છે.  કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. કાર્યાલયમાંથી તમામ સામગ્રી દૂર કરવામાં આવી છે. તે ઉપરાંત કાર્યાલયના સ્ટાફ અને અંગત સચિવે કાર્યાલય પણ ખાલી કરવામાં આવ્યા છે. આ સાથે જ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું કાર્યાલય પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. જગદીશ પંચાલને પહેલાથી મોટી જવાબદારી આપી દીધી હોવાના કારણે કદાચ તેઓ પોતાના પદને સ્વેચ્છાએ છોડી શકે છે. 

ગુજરાત સામાન્ય વહિવટ વિભાગને રાજ્ય સરકારના નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવામાં આવી છે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓ અંગે વિગતો મંગાવવામાં આવી છે. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહન અને મકાનો ફાળવવામાં આવશે. નવા મંત્રીઓને સુવિધાઓ આપવા માટે બન્ને વિભાગના અધિકારીઓમાં દોડધામમાં છે. જો કે, મંત્રીમંડળના વિસ્તરણની તડામાર તૈયારીઓ વચ્ચે રાજીનામું આપનાર અનેક મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરવાનું શરૂ પણ કરી દીધું છે. નવા મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવામાં આવી છે. આ કામચલાઉ નિમણૂક માટે સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં મંત્રીઓના સ્ટાફ માટે જુદા જુદા વિભાગના 35 સેક્શન અધિકારી અને 35 નાયબ સેક્શન અધિકારીઓની નિમણૂક કરી છે. નિયુક્ત અધિકારીઓની આવતીકાલે સવારે 10 વાગ્યે બેઠક યોજવામાં આવશે. નવ નિયુક્ત મંત્રીઓના શપથ ગ્રહણ બાદ આ તમામ અધિકારીઓ મંત્રીની ઓફિસમાં વચ્ચ ગાળા તરીકે કામ કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક