• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ગુજરાતમાં નવા વર્ષ પહેલાં નવું પ્રધાનમંડળ, આજે શપથ

નાયબ મુખ્યમંત્રી પદની શકયતા : મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીના રાજીનામા : આજે 11 : 30 કલાકે શપથ લેશે નવા મંત્રીઓ

પૂર્ણકક્ષાનું મંત્રીમંડળ હશે: પાટીદાર, ઓબીસી, કોળી સમાજ સહિતના સમીકરણો

 

અમદાવાદ, તા.16 : રાજ્યમાં છેલ્લા કેટલાયે દિવસોથી ચાલી રહેલી અટકળો બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ ઉપર મહોર લાગી જતાં હવે આવતીકાલે શુક્રવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પદનામિત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે. નવા મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને દક્ષિણના ચહેરાઓ સાથે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગાંધીનગર પહોચી ગયાં છે. કાલે શપથવિધિ બાદ કેબિનેટ પછી ખાતાઓની ફાળવણી કરાશે. મોટા ફેરફારોના સંકેતો વચ્ચે હાલ રાજધાની ગાંધીનગરમાં રાજકીય ગતિ વિધિઓ તેજ બની  ગઈ છે. અગાઉ મુંબઇથી ગાંધીનગર પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રીએ આ બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા કરવામાં

આવેલા નિર્ણયની મંત્રીઓને માહિતી આપી હતી અને તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરી નવા મંત્રીમંડળની રચનાની મંજૂરી મેળવશે.

આ સાથે સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર 2021ની માફક ‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા પણ લાગુ કરી શકે છે. વર્તમાન 16 સભ્યોના મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે ત્યારે હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.

નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે 17મી ઓક્ટોબરને શુક્રવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. રાજભવન દ્વારા મંત્રી મંડળના શપથવિધિ માટેનું આમંત્રણ પણ તૈયાર કરાયુ છે. પદનામીત મંત્રી મંડળના સભ્યોની આવતી કાલે 11.30 કલાકે શપથવિધિ યોજાશે. શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રી ફોર્મ્યુલા લાગુ કરવા ધારાસભ્યો સાથે બેઠક યોજી શકે છે. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ મંત્રીમંડળમાં ફેરફારમાં હાજર રહે તેવી શક્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે, જોકે તેઓ બીજા દિવસે બિહારની મુલાકાતે જવાના છે.જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત જણાઇ રહ્યો છે.

આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (અઅઙ)ના કારણે ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મળી રહેલા પડકારો ગણવામાં આવે છે. આ ફેરફાર દ્વારા પાર્ટી પાટીદાર અને ઓબીસી ગઠબંધનને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.  નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (ઘઇઈ) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (જઈ) અને 2 અનુસૂચિત જનજાતિ (જઝ) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્ત્વ આપતા 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં સન્નાટો છે. કોની વિકેટ પડશે અને કોણ યથાવત્ રહેશે તેની ચર્ચા ચાલતી રહી હતી.  દરમિયાન નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે મુખ્ય સ્ટેજની બાજુમાં બીજો સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર પહોંચીને આવતીકાલની શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

 

રાદડિયા, મોઢવાડિયા, વાઘાણીને મંત્રીપદ ! સૌરાષ્ટ્રનું વર્ચસ્વ વધે તેવી શક્યતા

 

 

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના અનેક નેતાઓને લોટરી લાગી શકે છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં જઈના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટાસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. આહિર સમાજમાંથી રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે.  આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં જેમના નામની સૌથી વધારે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, રાજકોટથી ધારાસભ્ય દર્શિતાબેન શાહનું નામ સામેલ છે. કચ્છના છ ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ સંભવ છે. હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાની પદોન્નતિની પણ પૂરતી શક્યતાં છે. ઋષિકેશ પટેલ મંત્રી મંડળમાં યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

નાયબ મુખ્યમંત્રી ઘઇઈ અથવા જઈમાંથી આવી શકે

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીની નિમણૂક અંગે પણ રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. અટકળો છે કે આ પદ માટે આદિવાસી વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તે જોવું રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક