• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

પ્રધાનમંડળના વિસ્તરણને બદલે નવસંસ્કરણ, બધાના રાજીનામા

મંત્રીઓ ‘બદલાયા’ નહીં એટલે મંત્રીમંડળ ‘બદલવું’ પડયું: કાયદો વ્યવસ્થાની સ્થિતિ, થોડી શિથિલતા જેવા મુદ્દાઓની વ્યાપક ચર્ચા

 

ક્ષ          ઋષિકેશ વ્યાસ

અમદાવાદ તા. 16 : ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કેટલાક ચહેરા બદલાશે અને તેમના સ્થાને નવા મંત્રીઓ આવશે તે ચર્ચા લાંબા સમયથી હતી પરંતુ ગુરુવારે સાંજે રાજ્યના તમામ મંત્રીઓએ તેમના પદ ઉપરથી રાજીનામા આપી દીધાં છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓ હવે ભૂતપૂર્વ થઈ ગયા છે. શા માટે આટલો મોટો બદલાવ થયો, બહુ મોટા અવાજે એવી ચર્ચા થઈ રહી છે કે મંત્રીમંડળ એટલા માટે બદલવું પડયું કારણ કે મંત્રીઓના વલણ, તેમના અભિગમ બદલાયા નહીં. શાસનમાં શિથિલતાની વાતો હતી તો પ્રજાની નારાજગીની જાણ પણ ભાજપના શીર્ષ નેતૃત્વની થઈ ગઈ હતી. ડેમેજ કન્ટ્રોલના ભાગરૂપે આ કાર્યવાહી થતી હોવાની પણ ચર્ચા છે.

11મી સપ્ટેમ્બર 2021ના દિવસે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદે પસંદ કરાયા પછી 13મી સપ્ટેમ્બર-2021ના રોજ તેમણે વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ડિસેમ્બર-2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે ભાજપના ઐતિહાસિક વિજય બાદ બીજીવાર ભૂપેન્દ્ર પટેલે 12મી, ડિસેમ્બર-2022ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (1) 13મી, નવેમ્બર-2021થી 12મી, ડિસેમ્બર-2022 તથા (2) 12મી ડિસેમ્બર-2022થી 16મી, ઓકટોબર-2025 સુધીના શાસનકાળ દરમ્યાન 4 વર્ષને 27 દિવસ પૂરા કરી લીધા છે ત્યારે એવું તો શું થયું કે, તેમની આવી ભારેખમ બહુમતિ સાથેની સરકારમાં ધડમૂળથી ફેરફાર કરવાની હાઈકમાન્ડને ફરજ પડી છે ? આ એક એવો પ્રશ્ન છે કે, જેના જવાબમાં સ્થિર શાસન આપી રહેલી સરકારની શિથિલતાને જવાબદાર માનવામાં આવી રહી છે.

ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે ગણવામાં આવી રહ્યાં છે. તેમણે તેમની કક્ષાએ જે શક્ય હતું તે બધુ જ તેઓ કરી છૂટ્યાં છે. આમછતાં ચર્ચા એવી હતી કે, ગાંધીનગરમાં સરકાર-મંત્રીઓનું નહીં પણ અધિકારીઓના રાજ ચાલે છે. આ ચર્ચામાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉમેરાયો હતો. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માથાનો દુખાવો બની છે આ સહિતના અનેક મુદ્દે લોકો જાણે લાચારી અનુભવી રહ્યાં હતા. પેપરો ફૂટવા, સરકારી પરીક્ષાઓની ગેરરીતિઓની ફરિયાદ તો જૂની હતી. તેમાં તૂટેલા રસ્તાઓ, વડોદરા પાસે પુલ તૂટવાની ઘટના, રાજકોટનો અગ્નિકાંડ જેવા બનાવો પણ ઉમેરાયા. પ્રજાને જાણે કોઈ સાંભળનાર નહોતું. હવે 17મી ઓક્ટોબરે સત્તારુઢ થનારું નવું મંત્રીમંડળ શું ભાજપની આ છબિ સુધારી શકશે? હવેના મંત્રીઓ અને સરકારે પ્રજાલક્ષી નિર્ણયો સાથે પ્રજાહિતની કામગીરી બજાવવી જ પડશે કેમકે લોકોમાં જોવા મળતું ગણગણાટ હવે, આક્રોશમાં પરિવર્તિત થઈ ગયું છે અને એમાં લોકોને અન્ય પક્ષોમાં દેખાતો વિકલ્પ મોટું સ્વરુપ લેતા વાર નહીં લાગે એમ સમજાઈ રહ્યું છે.   

 

વિસાવદરવાળી થવાનો ડર,  આંતરિક ડખ્ખાનો ખતરો કે આગામી ચૂંટણીઓનું આયોજન?

 

એકબાજુ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે તો, બીજીબાજુ એવું તો શું થઈ ગયું કે, એકાએક ભાજપ હાઈકમાન્ડને મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓને દિલ્હી બોલાવી મેરેથોન બેઠકો યોજીને તાત્કાલિક દિવાળીના પર્વની પણ પરવાહ કર્યા વિના હાલની સરકારમાં જડબેસલાક ફેરફાર કરવાની ફરજ પડી ? આ સવાલના અનેક જવાબો છે. જેમાં મુખ્યત્વે જેની સૌથી વધુ ચર્ચા છે તે એ છે કે, વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્રમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યે વધતી નારાજગી અને આમ આદમી પાર્ટી સાથેની નિકટતાનો દેખાવ, બીજુ એ કે, બોટાદમાં ખેડૂતોને ઢોરમાર મારવાની ઘટના બાદ ખેડૂતોમાં પ્રસરેલી નારાજગી અને તેની રાજ્યવ્યાપી થયેલા અસર જવાબદાર હતી. જોકે, બીજીબાજુ, વિધાનસભાની ચૂંટણીઓની સેમીફાઈનલ ગણાતી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીઓમાં ભવ્ય દેખાવ જાળવી રાખવાના ડર ઉપરાંત ડિસેમ્બર-2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની લોકપ્રિયતાને જાળવી રાખવી, જેના કારણોને આ તાકીદના ફેરફારને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે

 

 

શપથ લીધા બાદ નેતાઓને ચુરમાના  લાડુ, ફુલવડી સહિત ભોજન પિરસાશે

 

ગુજરાત મંત્રીમંડળના શપથ ગ્રહણના કાર્યક્રમ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની આમંત્રણ પત્રિકા પણ મહાનુભાવો સુધી પહોંચી રહી છે. વર્તમાન ઘણા મંત્રીઓ પડતા મુકાશે અને ઘણા ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. મંત્રીમંડળમાંથી વિદાય લેનારા અને સમાવેશ થનારા નવા મંત્રીઓ અને મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેનુમાં ચુરમાના લાડુ, ફુલવડી, બટાકા વટાણા, ટામેટાનું શાક, વાલ, પુરી, ગુજરાતી દાળ, તજ લાવિંગ ભાત, ફ્રાયમ્સ અને છાશ સહિતની પારંપરિક ગુજરાતી વ્યંજનો પીરસાશે. શપથ સમારોહમાં આવનાર 10 હજાર જેટલા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા અને ભોજનની જોગવાઈ કરવામાં આવી છે. આમંત્રણ કાર્ડમાં અધિક સચિવ પ્રોટોકોલ દ્વારા લખાયું છે કે મંત્રીમંડળના પદનામિત સભ્યોની સોગંદવિધી 17 -10-2025ના રોજ સવારે 11-30 વાગે યોજાશે. દરમિયાન શપથવિધિમાં આવનારા તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નિવાસ્થાને રાત્રે ભોજન સમારંભનું 

ઇ-પેપરના નવા શુલ્ક