અમરેલીના ખેડૂત યુવાન તેના ભાઈ સાથે કોર્ટથી બાઈક પર જતા હતા ત્યારે ત્રણેય આરોપીએ કાર માથે નાખી પાઈપથી માર માર્યો હતો
અમરેલી,
તા.16: ‘જર જમીન અને ઝોરૂ ત્રણેય કઝીયાના છોરૂ’ કહેવત પ્રમાણે રાજુલામાં ગત તા. 1 ના
રોજ એક જમીનના વિવાદનાં કારણે કૌટુંબિક કાકાએ પોતાના બે ભત્રીજાને મારી નાંખવાના ઇરાદે
ફોર વ્હીલ માથે ચડાવી દઈ માર મારી એકના હાથ પગ ભાંગતા ઘવાયેલા ભત્રીજાને સારવાર માટે
ભાવનગર દવાખાને લઈ જવાયેલ ત્યાં આજે તેમનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે.
મળતી
વિગત મુજબ રાજુલા ગામે આવેલ બીડી કામદાર વિસ્તારમાં ખાખબાઇ રોડ પર રહેતા મહેબુબભાઇ હકીમભાઇ જોખીયા નામના 44 વર્ષિય
ખેડુતને તેમનાં કુટુંબી કાકા જાફરભાઈ ઉંમરભાઈ જોખીયાને રાજુલા ખાતે બાયપાસ રોડ પાસે
આવેલ એક જમીન અંગેની માલિકી બાબતનો વિવાદ ચાલતો હોય, તે બાબતે રાજુલા કોર્ટમાં કેસ
કર્યો હોય, તે કેસ પાછો ખેંચી લેવા તથા આ ખેડૂતની 44 વિદ્યા જમીન લઈ લેવા માટે ગત તા.1/10
ના રોજ ખેડૂત મહેબૂબભાઈ તથા તેમનો ભાઈ ફિરોજ સાથે કોર્ટમાંથી મોટર સાયકલ લઈ પોતાના
ઘરે જતા હતાં. તે દરમ્યાન આરોપી જાફર તથા તેના ભાઈનો દીકરો રૈયાઝ રસુલભાઇ જોખીયા તથા
યુસુફભાઇ નાથાભાઇ જીરૂકા સહિત ત્રણેય આરોપી ફોર વ્હીલ ગાડી લઈ આ ખેડૂત તથા તેમનાં ભાઈને
મારી નાખવાના ઇરાદે તેમનાં ઉપર ચડાવી દઈ પછાડી દીધા હતાં. અને આરોપીએ લોખંડના પાઈપ
વડે ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરી પાઇપ વડે આડેધડ ઘા ખેડૂતના બંને હાથ તથા બંને પગ ભાંગી
નાખી ગંભીર અને ગંભીર ઇજાઓ કરી હતી. જ્યારે તેમનાં ભાઈને માથામાં ઇજા કરતા આ બનાવમાં
ઘવાયેલા મહેબૂબભાઇ જોખિયાને સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ ત્યાં આજે તેમનું
સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવના આરોપી જાફરભાઈ તથા તેના
ભાઈનો દીકરો રૈયાઝ રસુલભાઇ જોખીયા તથા યુસુફભાઇ નાથાભાઇ જીરૂકા સહિત ત્રણેય આરોપીને
પોલીસે અગાઉ ઝડપી લઈ જેલ હવાલે કરી દીધા હતાં.