• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

સુરતમાં પ્રૌઢે ફ્રેન્ચાઇઝીની લાલચમાં રૂ.88 લાખ ગુમાવ્યા

સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો મૂકી છેતરપિંડીના 13 ગુના આચરનાર રાજકોટનો સમીર મુંબઇથી પકડાયો

સુરત, તા.15: સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા જમીન દલાલે સોશિયલ મીડિયા પર ઇ-માર્કેટ પ્લેસ ઓપન કરવાની ફ્રેન્ચાઇઝીની જાહેરાત જોઇ વધુ રૂપિયા કમાવાની લાલચે રૂ.88 લાખ ગુમાવ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ રાજકોટના શખસને મુંબઇથી ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના વતની અને પરવત પાટિયાની શ્યામ વાટીકા સોસાયટીમાં રહેતા સંજયભાઇ શંભુપ્રસાદ શ્રી વાસ્તવ (ઉં.વ.55) જમીન- મકાનની દલાલીનું કામ કરે છે. સંજય શ્રી વાસ્તવ વર્ષ 2023માં મોબાઇલમાં ફેસબુકમાં કલબ 21 નામના મોલની ફ્રેન્ચાઇઝી આપવાની એક આકર્ષક જાહેરાત જોઇ હતી.

જાહેરાતમાં સ્પષ્ટ પણે લખ્યું હતું કે કલબ 21 મોલ ખોલવાથી દર મહિને રૂ.9.80 લાખનો નફો થશે અને તેના માટે રૂ.1 કરોડનું રોકાણ કરવું પડશે. જાહેરાત જોઇ સંજયભાઇ શ્રી વાસ્તવે તેમા આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાને 2- વન ટેકનોલોજીસ કંપનીના માલિક સમીર મલિક તરીકે ઓળખ આપી હતી. સમીર સંજયભાઇ જણાવ્યું કે, એક શહેરમાં એક જ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે અને તેમને સુરત માટેની ફ્રેન્ચાઇઝી મેળવવાની તક આપી હતી. બાદ તેણે આપેલા બ્રોસરમાં ફાઉન્ડર એન્ડ સીઇઓ તરીકે સમીર મલિકનો ફોટો અને  કલબ 21 ફ્રેન્ચાઇઝીની વિગતવાર માહિતી હતી. આ બ્રોશર અને વાતોથી વિશ્વાસ આવતા સંજયભાઇએ 2023માં જુદા- જુદા બેંક ખાતાઓમાં કુલ રૂ.88.50 લાખની રકમ ચુકવી આપી હતી. પેમેન્ટ થઇ ગયા બાદ સમીર મલિકે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું અને અંતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આથી તેણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બાતમીના  આધારે આરોપી સમીર હુસૈન મલિક (ઉં.વ.30 રહે. મુંબઇ, મૂળ રાજકોટ)ને મુંબઇ ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં  સોશિયલ મીડિયા ખોટી જાહેરાતો મૂકી જુદા જુદા રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરી 13 જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી. પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક