• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

અમદાવાદમાં જમીન રોકાણના નામે ફાર્માસિસ્ટ સાથે રૂ.1.75 કરોડની ઠગાઇ

યુવાન પાસે દુકાન અને જમીન પ્રોજેક્ટમાં નાણાનું રોકાણ કરાવ્યું : ભાવિક રાવલે માત્ર રૂ.19 લાખ જ  પરત કર્યા: યુવાનની પોલીસમાં ફરિયાદ

 અમદાવાદ, તા. 17: અમદાવાદ શહેરના એક ફાર્માસિસ્ટને જમીન રોકાણના બદલામાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ.1.75 કરોડથી વધુની છેતરાપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસે ગાંધીનગર સ્થિત ભાવિક સુરેશભાઈ રાવલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના રહેવાસી અને બોડકદેવમાં અંજની મેડિકલ સ્ટોર ચલાવતા 49 વર્ષીય દીપક દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાવલ, પીડિતના કોલેજ સમયનો પરિચિત હતો. જૂન 2023માં મિત્રતાના નામે ફરી સંપર્ક સાધીને રાવલે પટેલને ગાંધીનગર અને પાટણમાં જમીન સોદામાં સંયુક્ત રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

વિશ્વાસ કેળવ્યા બાદ ભાવિક રાવલે બોપલમાં આવેલી દીપક પટેલની દુકાન રૂ.1.19 કરોડમાં વેચીને તેમને ભાગીદાર બનવા સમજાવ્યા હતા. દીપકભાઇ સંમત થયા અને દુકાન ભાવિકના નામે ટ્રાન્સફર કરી હતી. જોકે, ભાવિકે વચન મુજબની રકમ ચૂકવી નહોતી અને દાવો કર્યો કે તે રકમ જમીનના સોદામાં રોકી દીધી છે. દસ્તાવેજીકરણ માટે આપેલો રૂ.34 લાખનો ચેક પણ બાઉન્સ થયો હતો.

ત્યારબાદ નવેમ્બર 2023માં ભાવિકે ગાંધીનગર નજીક (સુઘડ ગામ)માં વધુ એક જમીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા તેમને સમજાવ્યા હતા. દીપકભાઇએ પરિવાર અને અંગત બચતમાંથી રૂ.75.50 લાખની વ્યવસ્થા કરી. ભાવિને એક વર્ષમાં 1 ટકા વ્યાજ સાથે રોકાણ પાછું આપવાનું વચન આપ્યું હતું.  ત્યારબાદ, ઓક્ટોબર 2024માં ભાવિકે ગાંધીનગરના નોટરી સમક્ષ રૂ.1.05 કરોડ માર્ચ 2025 સુધીમાં ચૂકવવાનું વચન આપતો નોટરાઇઝ્ડ કરાર પર સહી કરી, પરંતુ તે પણ નિષ્ફળ ગયો. મહિનાઓ વીતી ગયા છતાં વળતર ન મળતા દીપકભાઇએ ભાવિન પર દબાણ કરતાં જાન્યુઆરી 2024માં માત્ર રૂ.13 લાખ પાછા આપ્યા હતા. 

ત્યાર બાદ ભાવિકે  ત્યારબાદ રૂ.88 લાખ અને રૂ.87.50 લાખના બે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા.

ફાર્માસિસ્ટ દીપક કુલ રૂ.1.94 કરોડનું રોકાણ કર્યું હતું,  જેમાંથી માત્ર રૂ.19 લાખ જ પરત મળ્યા હતા. બાકીના રૂ.1.75 કરોડ અને વચન પ્રમાણે નફો ક્યારેય ચૂકવવામાં આવ્યો નથી. પોલીસે ભાવિન વિરુદ્ધ છેતરાપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક