• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

સોના-ચાંદીમાં ટોપ પછી કડાકો

4380 ડોલરની ટોચેથી 4217 ડોલર સુધી સોનું સરક્યું: ચાંદી 54.52થી ગબડીને 51.68 ડોલર

રાજકોટ, તા.17(ફૂલછાબ ન્યૂઝ): સોનું અને ચાંદીમાં પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી ધૂમધડાકાભરી તેજીમાંથી મોડી સાંજે હવા નીકળવાનું શરૂ થયું હતું. સવારે બન્ને ધાતુમાં ઐતિહાસિક ટોપ બન્યા પછી કડાકા હતા. ચીન પર ટેરિફ બિનટકાઉ નીવડશે તેવી અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટિપ્પણી પછી ડોલર ઉછળ્યો હતો અને ધાતુઓના ભાવ નીચે પટકાયા હતા.

ન્યૂયોર્કમાં શુક્રવારે સોનામાં 4380 ડોલરનું ટોપ સવારે બન્યું હતુ. જોકે સાંજે 4217 ડોલર સુધી નીચે આવી ગઇ હતી. ચાંદી પણ 54.52 ડોલર સુધી ઉછળ્યા પછી 51.68 ડોલર થઇ હતી. જોકે રાત્રે નવ વાગ્યે સોનું 4259 ડોલર અને ચાંદી 52.30 ડોલર ચાલતી હતી. જોકે રાત્રે રિકવરી પણ થઇ હતી. એકંદરે બજાર ઘટશે તેવી આશા બંધાઇ છે. સોનામાં દિવસ દરમિયાન 163 ડોલરની વધઘટ થઇ હતી અને ચાંદીમાં 3 ડોલરની કાતિલ વધઘટ હતી.

સપ્ટેમ્બર 2008 પછી જ્યારે લેહમેન બ્રધર્સના પતનથી વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઈ હતી એ વખતે જે તેજી સાપ્તાહિક ધોરણે થઇ હતી. તેને સોનાએ ટક્કર આપી હતી. ચીનના બુલિયન ડિલરે કહ્યું કે, 100 ટકા ટેરિફની ચીનમાં અમલવારી કરવામાં આવ્યા પછી સમાધાનકારી વલણથઇ કંઇપણ થઇ શકે છે એવા ફફડાટથી બન્ને ધાતુઓમાં વેચવાલી હતી.

જોકે દિવસભર ચાલેલી આક્રમક વધઘટમાં એમસીએક્સ ઉપર સોનાનો ભાવ રૂ. 1402 ઘટીને રૂ. 1,28,450 ચાલી રહ્યો હતો. દિવસ દરમિયાન ઉંચામાં રૂ. 1,32,294 થયો હતો. ચાંદીનો ભાવ ડિસેમ્બર વાયદામાં રૂ. 6563 ઘટીને રાત્રે નવ વાગ્યે રૂ. 1,61,100 હતો. દિવસ દરમિયાન રૂ. 1,70,415ની ઉંચાઇ દેખાઇ હતી. સોનામાં પાંચ હજાર અને ચાંદીમાં 11 હજારની મૂવમેન્ટ રહી હતી.

---

 

 

ઇ-પેપરના નવા શુલ્ક