જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડીએ કોના ઈશારે રદ થયું ?
આ વખતે
મહિલાઓ અને ઓબીસી ધારાસભ્યોની સંખ્યા વધી
રાઘવજી
પટેલની બાદબાકી થઈ, કુંવરજીભાઈને ભાજપે રાખવા પડયા
સૌરાષ્ટ્રનું
મહત્ત્વ વધ્યું તેનો શ્રેય ઈટાલિયાને આપી શકાય?
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ
તા. 17: રાજ્ય સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ નહીં પરંતુ નવીનીકરણ થઈ ગયું છે. જો કે
ભાજપે નો રિપિટ થિયરીની જે વાત કરી હતી તેનો અમલ સો એ સો ટકા થઈ શક્યો નથી. છ મંત્રીઓને
ભાજપે પુન: જવાબદારી સોંપી છે. ગુર્જર પ્રજાએ તો એમ જ માનવાનું રહે કે આ મંત્રીઓ સિનિયર
છે, તેમણે પરફોર્મ કર્યું છે માટે તેમને હજી પણ પદ ઉપર રખાયા છે. કેટલીક બાબતો તેમ
છતાં વિચારતા કરી મૂકે તેમ છે. ગોપાલ ઇટાલિયા પોતાના ભાષણોમાં બોલે છે કે આ તો એવી
વાત થઈ કે એક પંગતે જમી લીધું એટલે બીજી પંગત બેસાડો. લોકોના મનમાં જે વાત છે તે એ
છે કે 182 ઉમેદવાર પાર્ટી પસંદ કરે, 156 જેવી જંગી બહુમતિ મળે પછી મંત્રીઓ પણ પાર્ટી
નક્કી કરે તો પછી આ પાર્ટી વિધાનસભાની ટર્મ અડધી-પોણી પૂર્ણ થાય ત્યારે કેમ આ મંત્રીઓને
બદલાવી નાંખતી હશે ? વિજયભાઈ રુપાણીની સરકારને પણ વચ્ચેથી જવું પડયું હતું, તેમાં પણ
સિનિયર અને સક્ષમ નેતાઓ હતા. ભુપેન્દ્રભાઈની સરકારના પણ 19 મંત્રીઓ બદલી નંખાયા. પોતે
જ પસંદ કરેલા મંત્રીઓ માટે પક્ષનું આવું વલણ શા માટે?
આખા
ઘટનાક્રમમાં નોંધપાત્ર વાત એ છે કે પ્રધાનમંડળ બદલાયું, નવા 19 પ્રધાન આવ્યા પરંતુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પદ ઉપર યથાવત્ છે. આવું ભાજપે અગાઉ વિજયભાઈ રુપાણી
કે કેશુભાઈ પટેલ વખતે કર્યું નહોતું. 10 મંત્રીની મોટરકાર ઉપરથી લાલ લાઈટ ઉતરી ગઈ છે.
દાદા કહેવાતા ભુપેન્દ્ર પટેલ ત્યાં જ છે. જે લોકો તેમને મળ્યા છે તેમના મનમાં એક છબિ
છે સરળ વ્યક્તિત્વની. લો પ્રોફાઈલ મુખ્યમંત્રી છે તેઓ. મંચ ઉપરથી પ્રવચન કરે તો પણ
તદ્દન હળવાશથી બોલે અને વર્તે છે. અંદરની વાત તો એવી છે કે અંગત કારણે તેમણે પદ છોડવાની
વાત પણ પક્ષના નેતૃત્વને કરી છે. પક્ષના શીર્ષસ્થ નેતૃત્વના મનમાં ભુપેન્દ્રભાઈ માટે
કોઈ નેગેટિવ માર્કિંગ નથી. પક્ષનો વિશ્વાસ તેમણે જાળવ્યો છે. સૌથી અગત્યનું એ છે કે
સંગઠન પાંખ સાથે તેમનો સંબંધ સારો રહ્યો છે.
એક
તરફ બેટદ્વારકા કે ચંડોળા તળાવ જેવા સ્થળો ઉપર ચાલેલાં બુલડોઝર અને બીજી બાજુ ભ્રષ્ટ
અધિકારીઓ સામે નોકરીમાંથી છુટ્ટા કરવા સુધીના તેમણે લીધેલાં પગલાંનો ભલે બહુ શોર નથી
થયો પરંતુ તેની અસર તો થઈ છે. જ્ઞાતિ સમીકરણની રીતે તેઓ ભાજપ માટે સાનુકૂળ વ્યક્તિત્વ
છે. પ્રધાનમંડળમાં ફેરફાર થયા તે નોંધપાત્ર છે. વિઠ્ઠલભાઈ રાદડિયાએ ભાજપને કરેલી મદદ
કદાચ ભાજપે યાદ રાખી નહીં. જયેશ રાદડિયાનું મંત્રીપદ નક્કી હતું. ગઈકાલે રાત્રે છેલ્લી
ઘડીએ તેમના નામ સામે ચોકડી મૂકાઈ હોય તેવું લાગે છે. સહકારી ક્ષેત્રે તેઓ મેન્ડેટની
અવગણના કરીને ક્ષમતા બતાવી શક્યા પરંતુ રાજકીય ચોપાટમાં તેમને પછાડાટ મળી, સી.આર.પાટીલને
પ્રદેશ પ્રમુખપદ છોડયું ત્યારે તેઓ બોલ્યા પણ હતા કે કોઈ મેન્ડેટની અવગણના તો નહીં
જ કરી શકે. સીઆરના આ નિવેદન અને જયેશને મંત્રી ન બનાવાયા હોવાની ઘટનાને આ રીતે કોઈ
સાંકળી શકે.
આ વખતે
પ્રધાનમંડળમાં પાટીદાર કરતાં ઓબીસી પ્રધાનોની સંખ્યા વધારે છે. અત્યાર સુધી એક જ મહિલા
હતા હવે ત્રણ બહેનો ભાજપ સરકારમાં મંત્રી છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો-નેતાઓને
મહત્વ અપાય છે તેવો ગણગણાટ નેતૃત્વે બરાબર સાંભળ્યો અને તેથી રાઘવજી પટેલને દૂર કરાયા,
હાર્દિક પટેલને તો ક્યાંય ગણ્યા જ નહીં પરંતુ કુંવરજી બાવળિયાને ભાજપ હટાવી શક્યો નહીં
અને અર્જુનભાઈને વચન પછી હવે મંત્રીપદ પણ મળ્યું. પરસોત્તમ સોલંકી ગાંધીનગર સચિવાલયમાં
છેલ્લે ક્યારે ગયા હશે તે ચર્ચાનો વિષય છે. સ્વાસ્થ્યના કારણે તેઓ સક્રિય નથી તેવી
વાત હતી પરંતુ ચાર-ચાર મુખ્યમંત્રીઓ બદલાયા પરસોત્તમભાઈ હજી મંત્રી છે. સૌરાષ્ટ્રના
8 ધારાસભ્યો પ્રધાન છે. શું ગોપાલ ઇટાલિયાની સભાઓ અને પ્રવાસને ભાજપ ચેતવણીની નિશાની
માનવા લાગ્યો છે?
અમરેલીમાં
કોઈ મહિલાનું સરઘસ પોલીસે કાઢ્યું હોય તેવો પ્રથમ બનાવ હતો તેમાં કૌશિક વેકરિયા સીધા
સંકળાયેલા હોવાના અહેવાલો અખબારના પાને હજીય છે. છતાં કૌશિકભાઇ પણ હવે માનનીય મંત્રીશ્રી
બન્યા છે. જૂનાગઢના કર્મઠ ધારાસભ્ય સંજય કોરડિયાને પ્રધાનપદ નથી મળ્યું તે પણ નવાઈ
તો છે જ. જો કે આખરે આ બધી પક્ષની આંતરિક વાતો છે. પાર્ટીને ક્યારે કોની શું જરૂર પડે
તે તો પાર્ટી જ જાણે.