• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ગુજરાતના નવા મંત્રીમંડળમાં ઓબીસી સમાજનો દબદબો!

ઓબીસી સમાજના 8 ધારાસભ્યને સ્થાન અપાયું, બીજાક્રમે પાટીદાર સમાજના 7 નેતાની કરાઈ પસંદગી

આદિવાસી સમાજમાંથી 4, દલિત સમાજમાંથી 3 અને ક્ષત્રિય સમાજમાંથી

2 ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન અપાયું

રાજકોટ તા.17 : ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે નવા મંત્રીમંડળમાં સરકારે જ્ઞાતિના સમીકરણને પણ લક્ષમાં લીધા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. નવા મંત્રીઓમાં ભાજપે તમામ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. અલબત ‘દાદા’ની ટીમમાં ઓબીસી સમાજના સૌથી વધુ દબદબો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકારના આજે જાહેર થયેલા નવા મંત્રી મંડળમાં ઓબીસી સમાજના 8 ધારાસભ્યને સ્થાન અપાયું છે સાથોસાથ ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમજ આગામી ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મંત્રીમંડળમાં 7 પાટીદાર નેતાઓની પણ પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આદીવાસી સમાજના 4 નેતાઓને પણ મંત્રાલયમાં સ્થાન અપાયું છે, કારણ કે, રાજ્યના આદીવાસી વિસ્તારમાં ભાજપનો આધાર મજબૂત કરવો આવનારા દિવસો માટે અનિવાર્ય છે.

સરકારે ક્ષત્રિય સમાજમાંથી બે અને એસ.સી.માંથી ત્રણ નેતાની મંત્રી મંડળમાં પસંદગી કરી છે. આ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ બે નેતાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં જ્ઞાતિ મુજબ વાત કરીએ કડવા પાટીદારમાંથી કાંતિ અમૃતિયા, ઋષિકેશ પટેલ અને ખુદ મુખ્યમંત્રી છે તેવી જ રીતે લેઉઆ પટેલ સમાજની વાત કરીએ તો પ્રફુલ પાનસેરિયા, જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે.

ઓબીસી સમાજમાંથી કુંવરજી બાવળીયા, સ્વરૂપજી ઠાકોર, પ્રવિણ માળી, ત્રિકમ છાગા, અર્જુન મોઢવાડિયા, ઈશ્વરાસિંહ પટેલ, રમણભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આદિવાસી સમાજમાંથી નરેશ પટેલ, ડો.જયરામ ગામીત, પી.સી.બરંડા, રમેશ કટારા તથા દલિત સમાજમાંથી દર્શના વાઘેલા, મનીષા વકીલ, ડો.પ્રધ્યુમન વાજાનો સમાવેશ થાય છે. બ્રાહ્મણ સમાજમાં કનુ દેસાઈ, વણિકમાંથી હર્ષ સંઘવી, કોળીસમાજમાંથી પરસોત્તમ સોલંકી અને ક્ષત્રિય સમાજમાંથી રિવાબા જાડેજા, સંજયાસિંહ મહિડાનો સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક