• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડો પાડતા માથાકૂટ, યુવકને કાયદાનું ભાન કરાવ્યું

સુરત, તા.17: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટ પાસે જન્મ દિવસની પાર્ટીના બહાને યુવક-યુવતીઓની દારૂની મહેફીલમાં પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે એક કારને રોકતા અંદર બેઠેલા યુવક અને પોલીસ વચ્ચે રકઝક થઇ હતી આ બનાવનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

અલથાણ પોલીસને ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે, કે.એસ. અંતર વન રેસ્ટોરન્ટ પાસે જન્મ દિવસની પાર્ટીના બહાને યુવક- યુવતીઓની દારૂની મહેફીલ ચાલી રહી છે. જો કે, પોલીસ પહોંચે તે પહેલા ઘણાખરા નબીરાઓ ભાગી છૂટયા હતા. રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી કારની તપાસ કરવામાં આવી હતી. આ કારમાંથી થર્મોકોલના અનેક બોકસ અને એક લાલ કલરના બોકસમાં દારૂની ટીન મળી આવી હતી.  પોલીસે જ્યારે એક યુવકને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે નબીરાએ હંગામો મચાવ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

નબીરાએ સૌ પ્રથમ  તો વિડીયો બનાવનાર વ્યક્તિને ધક્કો માર્યો, બાદ તે સીધો પોલીસ સાથે જ મારામારી અને ઝપાઝપી કરવા લાગ્યો હતો.

કારમાં સવાર પરિવારની બે મહિલા પણ યુવક અને પીએસઆઇની વચ્ચે પડી હતી. આ સમયે યુવકનાં પિતાએ પણ પોલીસ કર્મીને યુવકને જવા દેવાનું કહી કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાનું કહ્યું હતું. આ સમયે પીએસઆઇએ વાત કરવાનું ટાળ્યું હતું.

વધુમાં જાણવા મળ્યું કે જે નબીરાએ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી તે નબીરા સામે માત્ર અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પીઆઇ દિવ્યરાજ ચૌહાણે જણાવ્યું કે, યુવકે રાત્રે માફી માગી લીધી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક