• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

જૂનાગઢમાં લોનના નાણા વસુલવા યુવાનનું અપહરણ : 60 લાખ માંગ્યા

પોલીસને જાણ થતા અપહરણકારોએ યુવાનને જામનગર રોડ પર છોડી મુક્યો : યુવાને ફરિયાદ નોંધાવી

 જૂનાગઢ તા.24:  જુનાગઢના એક યુવાનને લોનના નાણા વસૂલવા એક શખસે અપહરણ કરી  રૂપિયા 60 લાખ આપવા માંગણી કરી છે નહીં તો જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં રહેતા મિલન ચંદુભાઈ ચૌહાણને જૂનાગઢના જય ઓડેદરા અને હાર્દિક ઓડેદરા સાથે છેલ્લા પાંચેક માસથી લોનના નાણાં અંગે મનદુ:ખ ચાલતું  હતું. અંતે જય ઓડેદરાએ મિલન ચૌહાણને તેની ઓફિસમાંથી ગત સાંજે અપહરણ કરી લઈ ગયો હતો.

મોડી સાંજ સુધી ઘરે ન આવતા તેની પત્ની નિમીષાબેન એ પોતાના બોડકા ગામે રહેતા ભાઇને જાણ કરી હતી કે મિલન હજુ ઘરે આવ્યો નથી અને તેનો મોબાઈલ  બંધ આવે છે.તેથી તેણીનો ભાઇ યશ મારું જૂનાગઢ દોડી આવ્યો હતો.

દરમ્યાનમાં મધરાતે મિલનનો યશ મારુના મોબાઈલમા ફોન આવતા અને જણાવ્યું જય ઓડેદરાએ પોતાનું અપહરણ કર્યુ છે અને રૂ.60 લાખની વ્યવસ્થા કરજે નહીં તો આ લોકો પોતાને પતાવી દેશે તેમ જણાવ્યું હતું .આ અંગે યશ મારુએ પોલીસમાં  જાણ કરતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાકાબંધી  કરતા પોલીસ રસ્તા ઉપર ઉતરી  હતી.

આ અપહરણકારોને પોલીસની નાકાબંધી ની ગંધ આવતા અપહૃતને જામનગર રોડ ઉપર છોડી નાસી ગયા હતા.આ અંગે યશ શાંતિભાઈ મારુએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ  નોંધાવતા પોલીસે જય ઓડેદરા સામે અપહરણ અને ખંડણી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક