• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

અમદાવાદમાં વૃદ્ધ દંપતી ડિજીટલ એરેસ્ટનો ભોગ બન્યું, રૂ. 42.50 લાખ ગુમાવ્યા

ટેલિકોમ વિભાગ અને સીબીઆઇના અધિકારીની બોગસ ઓળખ આપીને ભેજાબાજોએ રૂપિયા પડાવ્યા

અમદાવાદ, તા.20: સેટેલાઈટના રામદેવનગરમાં રહેતા વેપારીના વૃદ્ધ માતા-પિતાને ડિજીટલ એરેસ્ટનો શિકાર બનાવીને સાયબર માફિયાઓએ રૂ. 42.50 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સેટેલાઈટના રામદેવનગરમાં રુદ્રપ્રયાગ ટાવરમાં રહેતા ચૈતન્ય ચંદેલ (ઉં.53) વસ્ત્રાપુરમાં આઈટી ફર્મ ધરાવે છે. તેમના 83 વર્ષીય પિતાને ગત ડિસેમ્બર મહિનામાં સવારના સાડા અગિયાર વાગ્યે ફોન આવ્યો હતો. ટેલિકોમ વિભાગના અધિકારી તરીકેની ઓળખ આપનાર શખસે તમારા મોબાઈલ નંબર પર વધુ પડતી ફરિયાદ છે તેવું કહયું હતું. જેની તપાસ મુંબઈ સીબીઆઈના અધિકારી કરી રહ્યા છે. બાદમાં વીડિયો કોલ કરીને સીબીઆઈ અધિકારી પ્રદીપકુમારની ઓળખ આપીને વૃદ્ધને ધમકાવ્યા હતા. થોડો સમય બાદ બીજા નંબરથી ફરી વીડિયો કોલ આવ્યો હતો જે ઉપાડતા કોર્ટરૂમ જેવું જણાતું હતું અને જજના પહેરવેશમાં કોઈ વ્યક્તિ બેઠી હતી. ફોન કરનારે આ જજ સાહેબ છે કહ્યું હતું. જજના સ્વાંગમાં બેઠેલા શખસે વૃદ્ધ વિરુદ્ધ કુલ 27 કેસ હોવાનું જણાવ્યું હતું. પ્રદીપકુમારને ધમકાવતા વૃદ્ધ ડરી ગયા હતા અને તેમણે બેંક એકાઉન્ટ તથા એફડીની વિગતો આપી હતી. વૃદ્ધ જાતે ચાલી શકે તેમ ના હોય તેમના પત્ની સળંગ બે દિવસ રિક્ષામાં બેસીને પોતાની બેન્કમાં ગયા હતા અને એફડી તોડાવીને સૌપ્રથમ 21,24,351 અને બીજી વખત 21,25,891 રૂપિયા આરટીજીએસ કરીને મોકલ્યા હતા. ત્રીજા દિવસે પણ નાણાં માગતા વૃદ્ધા બેંકમાં ગયા ત્યારે હાજર બેન્ક કર્મીઓ અને પોલીસને આ વાતનો ખ્યાલ આવ્યો હતો અને સાયબર ફ્રોડ થયાનું સમજાવીને વધુ નાણાં મોકલતા અટકાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક