સુરત, તા.19ઃ સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં બીજીવાર કુખ્યાત ચિરાગ ગોટીને સાથે રાખી ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કરાવ્યુ છે. ચિરાગના આતંકના એક પછી એક વીડિયો સામે આવ્યા બાદ તેની ફરિયાદ આવવાની ચાલુ થઈ છે. ત્યારે ટ્રાવેલર્સ પાસેથી ઉછીના લીધેલા રૂ.18.75 લાખ પરત આપવાને બદલે તે ચાંઉ કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી પાંચ હજાર પડાવી લેનાર ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન આજે બન્ને ભાઈઓને દોરડાંથી બાંધીને જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકી આપી ત્યાં લઈ જવાયો હતો.
સૂત્રો પાસેથી મળતી
માહિતી મુજબ ચિરાગ ગોટી દ્વારા લોકો પર અત્યાચારના વીડિયો સામે આવ્યા બાદ તેના વિરુદ્ધ
ફરિયાદ નોંધાવવા લાગેલી લાઇન વચ્ચે ઉત્રાણ, વીઆઇપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઇ ગજેરાએ
ગત શુક્રવારે સરથાણા પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઇ નિરાંત તથા સાગરીત યુવરાજ જાધવ
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં 2021માં કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત
હોવાથી આ ટ્રાવેલર્સ પાસે આવ્યા હતા અને ચિરાગ ગોટીએ રૂ. 18.75 લાખ અને યુવરાજે રૂ. 1લાખ ઉછીના લીધા હતા. સપ્તાહમાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા
બાદ બંનેએ હાથ ખંખેર્યા હતા. ચિરાગ ગોટી, નિરાંત અને યુવરાજે કારમાં મુકેશ ગજેરાના ઘરે ધસી જઈ રિવોલ્વર
તાકી આ કોઈની સગી નહીં થાય એમ કહી ધાકધમકી આપી વધુ રૂ. 5 હજાર પડાવી લીધા હતા.સરથાણા પોલીસે આ મામલે ગોટીબંધુઓનો જેલમાંથી
કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માગતા કોર્ટે બન્નેને એક દિવસના રિમાન્ડ
આપ્યા હતા. આજે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાંથી બાંધીને યોગીચોક વિસ્તારમાં
આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં
આવ્યું હતું.