• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

માતા-પિતાને પ્રેમલગ્નની આગોતરી જાણ અનિવાર્ય

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય

હવે લગ્નની નોંધણી માટે આવેદન સાથે જ માતા-પિતાને વોટ્સએપથી થશે જાણ : છેતરાપિંડી અને લવ-જેહાદ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી

અમદાવાદ, તા.20 : દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે લગ્નની નોંધણીમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત કરાઇ છે અને આ માટે નવું પોર્ટલ બનશે. છેતરાપિંડી અને લવ-જેહાદ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી છે. 

રાજ્યની દીકરીઓનું સન્માન જળવાય અને સનાતન પરંપરાનું રક્ષણ થાય તે હેતુથી ગુજરાત મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ 2006માં સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે રાજ્યના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મક્કમ ડગલું છે. ગુજરાત વિધાનસભાના ગૃહમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત સંવેદનશીલ નિવેદન આપ્યું હતું. લગ્ન નોંધણીમાં છળકપટ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે.

અસામાજિક તત્ત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘િનકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

નવા સૂચિત નિયમોની મુખ્ય વિશેષતાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દીકરીઓના સુરક્ષા કવચ સમાન જે ફેરફારો લાવી રહી છે તેમાં મુખ્યત્વે માતા-પિતાની સામેલગીરી છે. લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે. આ નવા નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મગાવવામાં આવ્યા છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણામાં તુલસીનો ક્યારો બનીને ઉછરે છે. લવ-મેરેજનો વિરોધ નથી, પણ ‘છેતરાપિંડી’ અને ‘બળજબરી’ સામે આ સરકાર ચોક્કસપણે સખત પગલા લેશે. આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે. 

‘લવ જેહાદ’ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ઓળખ છુપાવીને થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. સનાતન પરંપરા અને ભારતની લગ્ન વ્યવસ્થાને બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે. સરકાર તેની સામે દાખલારૂપ કડક પગલાં લેશે. ‘જો લગ્ન નોંધણીની પ્રક્રિયા જડબેસલાક અને પારદર્શક હશે, તો ભવિષ્યમાં થતાં સામાજિક વિખવાદો અને ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક