• રવિવાર, 08 માર્ચ, 2026

મોરબીના આંદરણા ગામની સરકારી શાળાનો શિક્ષક વર્ગખંડમાં દારૂ પીને નશામાં ચકચુર બની ગયો

ડઘાઈ ગયેલા વિદ્યાર્થીઓએ વાલીને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો : નશાખોર શિક્ષક સસ્પેન્ડ કરાયો

મોરબી, તા. 7: મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતો શિક્ષક ચાલુ ક્લાસમાં દારૂ પીતા ઝડપાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી શિક્ષણ વિભાગને આ બાબતની જાણ થતા જ તાત્કાલિક પગલા લઈને નશાખોર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

  પ્રાપ્ત વિગત અનુસાર આંદરણા ગામની સરકારી શાળા નં. અ-01માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ખીમજીભાઈ પરમાર પર ગંભીર આક્ષેપો થયા છે. આ શિક્ષક ક્લાસરૂમમાં બાળકોને ભણાવતી વખતે જ દારૂના પેગ ભરીને નશામાં ચકચુર બની ગયો હતો. માસૂમ બાળકોએ જ્યારે શિક્ષકની આ હરકત જોઈ, ત્યારે તેમણે તુરંત પોતાના વાલીઓને આ અંગે જાણ કરી હતી. બાળકોની ફરિયાદ સાંભળી નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ સંઘાણી અને ગામના આગેવાન નિતેશભાઈ ચાવડા તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા.

  ત્યાં શિક્ષક નશાની હાલતમાં મળી આવતા તેમણે પુરાવા તરીકે વીડિયો ઉતારી પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ નશાબાજ શિક્ષક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 500 મિલી વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે અને નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નશાખોર શિક્ષકને સસ્પેન્ડ કરાયો

શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ મોરબીનું શિક્ષણ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડાએ ઘટનાની ગંભીરતાને સમજી સ્થળ પર નિરીક્ષકને મોકલી તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતાએ કડક કાર્યવાહી કરતા નશેબાજ શિક્ષક રાજુભાઈ પરમારને ફરજ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક