• રવિવાર, 08 માર્ચ, 2026

ઈન્દ્રનીલ રાજ્યગુરુનું રાજકારણને ‘ગુડબાય’

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનની રાજકીય નિવૃત્તિની જાહેરાત

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.7 : રાજકોટના રાજકારણમાં આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના અગ્રણી નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આજે એકાએક રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

રાજકોટના રાજકારણમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ મોખરે લેવામાં આવે છે તેઓ એક માત્ર નેતા જ નહીં પરંતુ કોંગ્રેસમાં એક એવા ચહેરા તરીકે જાણીતા રહ્યાં છે. મનપાના પૂર્વ ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કોંગ્રેસના શાસનમાં તેઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી. વિરોધ પક્ષના લડાયક નેતા તેઓ સાબિત થયાં હતાં. ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે તેમના કાર્યકાળમાં અનેક લોકપ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી. આજથી આઠ વર્ષ પૂર્વે પશ્વિમ વિધાનસભા બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે પણ તેઓ ચૂંટણી લડયાંહતાં. પિતા સંજય રાજ્યગુરુનો રાજકીય વારસો તેઓઓ સાડા 3 દાયકા સુધી નિભાવ્યો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ તેઓ સતત સક્રિય રહ્યાં હતાંઅને હવે તેઓએ રાજકારણને ગુડબાય કરવાનો નિર્ણય લીધો છે.  રાજ્યગુરુએ         જૂન-2026માં 60 વર્ષ પૂર્ણ થતાં હોવાનું કારણ આપીને પક્ષના કાર્યક્રમોથી અંતર જાળવી દીધુ છે. સામાજિકની સાથોસાથ રાજકીય પ્રસંગોમાં પણ હાજરી ન આપવાનો તેઓએ નિર્ણય લીધો છે, જો કે, કોંગ્રેસ પક્ષને જ્યારે પણ માનસિક-આર્થિક-રાજકીય સલાહસૂચન કે સપોર્ટની જરૂર હશે તો તે માટે મારા દ્વારા હમેશા ખુલ્લા રહેશે તેવું જણાવ્યું છે. હાલ તો તેમની રાજકારણમાંથી નિવૃત્તિને પગલે કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ભારે ફટકો પડે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.

બીજી તરફ ક્યાંકને ક્યાંક તાજેતરમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ સાત કમિટીની રચનાઓમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાન ન અપાયું હોવાનું તેમજ શહેર કોંગ્રેસના જ અન્ય અગ્રણીઓ સાથેના છેલ્લા ઘણા સમયથી ચાલતા મતભેદોને લઈને તેઓએ આ નિર્ણય લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ ઈન્દ્રનીલભાઈ કોંગ્રેસ પક્ષ સાથે જ છે અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં તેઓ સાથે હતા અને રહેશે તેવું સ્પષ્ટ કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક