અમિત શાહે સમ્રાટ ચૌધરીને અચાનક તેડાવ્યા દિલ્હી : નવા મુખ્યમંત્રીનો ચહેરો ભાજપમાંથી રહેવાની સંભાવના
નવી
દિલ્હી, તા.7: બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કર્યું
ત્યારથી બિહારમાં મુખ્યમંત્રી પદે તેમનાં અનુગામીનાં નામની અટકળો અને અફવાઓએ જોર પકડી
લીધું છે. આ ચર્ચાનાં ચકડોળ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના ઉપમુખ્યમંત્રી
સમ્રાટ ચૌધરીને મળવા માટે દિલ્હી બોલાવ્યા છે. આમ, બિહારમાં નવા મુખ્યમંત્રીની પસંદગી
માટે રાજકીય હલચલ તેજ થઈ હોવાનું દેખાય છે. સમ્રાટ ચૌધરી આવતીકાલે રવિવારે પટણાથી દિલ્હી
જઈને શાહ સાથે મુલાકાત કરશે. ચર્ચા એવી છે કે, નીતિશ પછી હવે ભાજપનાં કોઈ નેતા જ મુખ્યમંત્રી
પદે આવશે.
જો
કે અમિત શાહે સમ્રાટ ચૌધરીને દિલ્હી શા માટે બોલાવ્યા તેનું સ્પષ્ટ કારણ હજી સુધી સામે
આવ્યું નથી. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નીતિશ કુમાર રાજ્યસભા ગયા પછી નવી
સરકારની રચનાને લઈને ચર્ચા થઈ શકે છે. સમ્રાટ ચૌધરી હાલમાં બિહારમાં નીતિશ કુમારના
નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં નંબર-2ની સ્થિતિમાં છે. તેઓ રાજ્યનું મહત્ત્વનું ગણાતું
ગૃહ વિભાગ પણ સંભાળી રહ્યા છે, જે પહેલાં નીતિશ કુમાર પાસે હતું.
કહેવામાં
આવી રહ્યું છે કે ભાજપના ટોચના નેતૃત્વે સંભવિત મુખ્યમંત્રી અંગે વિચારવિમર્શ શરૂ કરી
દીધો છે. જો નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બને છે તો તેઓ બિહારના મુખ્યમંત્રી પદેથી
રાજીનામું આપી શકે છે. ત્યારબાદ નવી સરકારનું પુનર્ગઠન થઈ શકે છે. આગામી દિવસોમાં નવા
મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની સંભાવના છે.
ભાજપની
સાથી પાર્ટી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગયા
ગુરુવારે પટણામાં રાજ્યસભા માટે નામાંકન ભર્યું હતું. આ દરમિયાન અમિત શાહ પણ હાજર હતા.
નીતિશે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજ્યસભા જવાની જાહેરાત કરી હતી. નીતિશ કુમારે
જણાવ્યું કે તેઓ પોતાની ઇચ્છાથી રાજ્યસભા જઈ રહ્યા છે. ત્યારબાદ શુક્રવારે તેમના નિવાસસ્થાને
જેડીયૂની બેઠક પણ યોજાઈ હતી, જેમાં નીતિશના પુત્ર નિશાંત કુમારનાં રાજકારણમાં પ્રવેશ
અંગે નિર્ણય લેવાયો હતો.
બિહારમાં
રાજ્યસભાની 5 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી થવાની છે. એપ્રિલમાં હાલના સાંસદોની મુદત
પૂરી થયા બાદ નવા સભ્યોનો કાર્યકાળ શરૂ થશે. કહેવાય છે કે રાજ્યસભાના સભ્ય બન્યા પછી
નીતિશ કુમાર સીએમ પદેથી રાજીનામું આપી શકે છે, જેના પછી બિહારને નવા મુખ્યમંત્રી મળશે.
બિહારનાં
આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી હશે એવી શક્યતા જોવાઈ રહી છે. ભાજપ તરફથી સીએમ કોણ બનશે
તે માટે ઘણા નામ ચર્ચામાં છે. જેમાં સમ્રાટ ચૌધરીનું નામ સૌથી આગળ છે. આ ઉપરાંત નિત્યાનંદ
રાયનું નામ પણ ચર્ચામાં છે, જે ભાજપનો મહત્ત્વનો યાદવ ચહેરો માનવામાં આવે છે. આ સિવાય
પણ ઘણા નામો પર અટકળો ચાલી રહી છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજસ્થાન,
દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાની જેમ કોઈ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવીને
સૌને આશ્ચર્યચકિત પણ કરી શકે છે.