• રવિવાર, 08 માર્ચ, 2026

ક્રિકેટપ્રેમીઓના અમદાવાદમાં ધામા, હોટેલોના ભાડામાં અધધ વધારો

મેગા ફાઈનલ મુકાબલાને પગલે શહેરના રસ્તાઓ ઉપર આજે જનતા કર્ફ્યૂનો માહોલ છવાશે  : સ્ટેડિયમમાં ત્રી-સ્તરીય ચાકિંગ, ક્વિક રિસ્પોન્સ ટીમ, મોબાઈલ એમ્બ્યુલન્સ અને મેડિકલ સારવારની વ્યવસ્થા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.7 : અમદાવાદના આંગણે આવતીકાલે વધુ એક આઈસીસી ફાઈનલ મુકાબલો યોજાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી ટી20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલનો જંગ રવિવારે જામશે. ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હકડેઠઠ ભીડ થવાની અપેક્ષા છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને પગલે અમદાવાદ પોલીસ દ્વારા સ્ટેડિયમ ફરતે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મેગા ફાઈનલ હોવાથી ઐતિહાસિક પળના સાક્ષી બનવા લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે. જેને પગલે ફાઈનલની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

અમદાવાદમાં 2023માં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ વધુ એક વખત આઈસીસીની મહત્વપૂર્ણ ટી20 ફાઈનલનો રોમાંચ જોવા મળશે. ફાઈનલ પૂર્વે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ શનિવારે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડયો હતો. સૂર્યકુમારના નેતૃત્વમાં ડિફેન્ડિગ ચેમ્પિયન ભારતને અમદાવાદમાં ઈતિહાસ રચવાની તક રહેશે. ફાઈનલ મેચ જોવા દેશ-વિદેશમાંથી ક્રિકેટપ્રેમીઓએ અમદાવાદમાં ધામા નાંખ્યા છે. શહેરોની હોટેલો અને ગેસ્ટ હાઉસોના ભાડામાં અધધ વધારો નોંધાયો છે. ફાઈનલની ટિકિટ મેળવવા મોડી સાંજ સુધી લોકો પડાપડી કરી રહ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસે મેચને પગલે આગોતરું આયોજન કર્યું છે. સ્ટેડિયમમાં ત્રી-સ્તરીય ચાકિંગ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે. આ ઉપરાંત મોબાઈલ એમ્બ્યુલન્સ અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ સહિત આસપાસના કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક સંપૂર્ણ બંધ કરાશે, તો કેટલાક રસ્તા આંશિક બંધ રહેશે. ન્યૂઝીલેન્ડના સમર્થકો પણ શહેરના મહેમાન બન્યા હોવાથી તેમને કોઈ અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક