• બુધવાર, 18 માર્ચ, 2026

ઉના દલિત અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની કેદ

જેલવાસ ભોગવી ચુકેલા પાંચેય આરોપીઓ હવે મુક્ત થશે; પીડિત પરિવારે ચુકાદાને પડકારવાની તૈયારી દર્શાવી

ઉના, તા.17: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે વિવાદ જગાડનારા વર્ષ 2016ના બહુચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડમા મંગળવારે દસ વર્ષે વેરાવળ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસના મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે પુરાવાના અભાવે 4 પોલીસકર્મીઓ સહિત અન્ય 37 આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

વેરાવળ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પંડયાએ કેસની સુનાવણી પૂર્ણ કરતા ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે મુખ્ય પાંચ આરોપીઓ - રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની કેદ તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત પ્રત્યેક દોષિતને 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમિયાન કુલ 42 આરોપીઓ પૈકી 2 આરોપીઓના અવસાન થયા હતા. ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો હતો, તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં એક મહત્ત્વનો વળાંક એ આવ્યો છે કે, દોષિત જાહેર થયેલા પાંચેય શખસ છેલ્લા 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ તમામ સજાઓ સાથે ભોગવવાની હોવાથી, તેમની સજાની અવધિ પૂર્ણ થયેલી ગણવામાં આવશે. આથી, સજાની જાહેરાત બાદ પણ આ આરોપીઓ હવે જેલમાંથી મુક્ત થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક