• મંગળવાર, 17 માર્ચ, 2026

ઉના દલિતકાંડમાં દાયકા બાદ કોર્ટનો ચુકાદો, 5 આરોપી દોષિત

ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; 38નો છૂટકારો

ઉના, તા.16: દેશભરમાં ભારે ચકચાર જગાવનાર અને ગિર સોમનાથ જિલ્લાના ઉનામાં બનેલા દલિત અત્યાચારના મામલે વેરાવળ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની લડત બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જ્યારે અન્ય 38 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

જિલ્લા સરકારી વકીલ કેતનાસિંહ વાળાએ આ ચુકાદા અંગે જણાવ્યું હતું કે, એક દાયકા સુધી ચાલેલી આ કાનૂની પ્રક્રિયામાં અનેક સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે રમેશ જાદવ, રાકેશ જોશી, નાગજી વાણિયા, પ્રમોદ ગૌસ્વામી, બળવંતગીરી ગૌસ્વામી પાંચ શખસને દોષિત ઠેરવ્યા છે.

દોષિતોને કેટલી સજા થશે તે અંગેનો ફેંસલો હાલ મોકૂફ રખાયો છે. મંગળવારે, 17 માર્ચના રોજ બચાવ પક્ષ અને સરકારી પક્ષના વકીલો સજાની અવધિ અંગે કોર્ટ સમક્ષ પોતાની અંતિમ દલીલો રજૂ કરશે, ત્યારબાદ કોર્ટ સજાની જાહેરાત કરશે. આ કેસની શરૂઆતમાં નોંધાયેલી એફઆઇઆરમાં મોટી સંખ્યામાં લોકોના નામ હતા. જોકે, 10 વર્ષની કાનૂની લડત બાદ અદાલતે નોંધ્યું હતું કે અન્ય 38 આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત થાય તેવા પૂરતા અને સચોટ પુરાવા ઉપલબ્ધ નથી. પરિણામે, કોર્ટે તેમને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. હવે સજા પર સૌની મીટ મંડાશે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના 11 જુલાઈ 2016ના રોજ ઉનાનાં મોટા સમઢીયાળા ગામે બની હતી. અનુસૂચિત જાતિના એક પરિવારના સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. તે સમયે કથિત ગૌરક્ષકોના ટોળાએ ત્યાં આવી ગૌહત્યાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો. ટોળાએ પરિવાર પર હુમલો કરી, ચાર યુવાનને અર્ધનગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમને ગાડી પાછળ બાંધીને ઉનામાં ઢસડવામાં આવ્યા હતા અને જાહેરમાં લાકડીઓ તેમજ લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક