કોર્ટમાં ફરિયાદ દાખલ થતા તત્કાલીન પી.એસ.આઈ. સહિત કર્મચારીઓ સામે ફોજદારી કેસ રજીસ્ટરે લેવા થયો હુકમ
પોરબંદર
તા.16 : માધવપુર ગામે પ્રોહીબીશનના આરોપીને બેફામ માર મારીને ઉઘાડા પગે વરઘોડો કઢાવવાનું
પોલીસને ભારે પડયું છે. જેમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થતા તત્કાલીન પી.એસ.આઇ. સહિત કર્મચારીઓ
સામે ફોજદારી કેસ રજીસ્ટરે લેવા હુકમ થયો છે.
માધવપુર
ગામના રહીશ ફરિયાદી આશીષ ઉર્ફે લાલો નાથાભાઈ મોકરીયાને માધવપુર પોલીસે તા. 30-1-2025ના
રોજ પ્રોહીબીશન એકટ મુજબના ગુનામાં અટક કરી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા તેને
પી.એસ.આઈ. ચુડાસમા પાસે લઈ ગયા હતા. જયાં પોલીસ
સ્ટાફના માણસો ફરિયાદીના પગ પર ઉભા રહી તેના હાથ, છાતી તથા ગરદન પકડી રાખ્યા અને પી.એસ.આઈ.એ
ફરિયાદીને બીભત્સ ગાળો આપી તેના પગ પર મારવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ ફરિયાદીનું
જાહેરમાં માધવપુર ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ફરિયાદીના પગના અંગુઠામાં લોહી
નીકળતુ હોય પગ અને શરીરમાં પોલીસના મારને કારણે અસહ્ય દુખાવો થતો હોય ફરીયાદીથી ચાલી
શકાતું ન હોવા છતાં ફરીયાદીને ખુલ્લા પગે ધોમધખતા તાપમાં ઉઘાડા પગે બળજબરીથી ચલાવ્યો
હતો. ફરીયાદીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. ફરીયાદીએ જણાવેલા પાંચ પોલીસ કર્મચારીઓ
તથા અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરી તેઓની સામે ઉપરોકત
ગુનાઓ અન્વયે સમન્સ નોટીસ જારી કરી છે.