• શુક્રવાર, 20 માર્ચ, 2026

પુત્રને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા અપાવવાના નામે બે લોકોએ માતા સાથે રૂ. 12 લાખની ઠગાઈ આચરી

નરોડામાં રહેતો યુવક અને બોપલની યુવતી વિરુદ્ધ છેતરાપિંડીનો કેસ દાખલ કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.19 : અમદાવાદમાં સરદારનગરમાં રહેતી માતાના આશાસ્પદ દીકરાને ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તેની કારકિર્દી સાથે કેટલાક લોકોએ ગંભીર ચેડા કર્યા છે. એક યુવતી અને યુવકે મળીને સ્ટુડન્ટ વિઝા અપાવવાનો વિશ્વાસ કેળવી કટકે કટકે નાણાં લઈને માતા સાથે અંદાજે રૂ.12 લાખની ઠગાઈ આચરી હતી.

નોબલનગરમાં કોતરપુર વોટર વર્ક્સ નજીક ઘનશ્યામ નગરમાં રહેતા જાગૃતિબહેન ખોજીજીનો મોટો પુત્ર હાર્દિકે અનુસ્તાકનો અભ્યાસ કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નરોડા ખાતે રહેતો રાહુલ શશિકાંત નાડમવારે આ માટે જરૂરી દસ્તાવેજો લઈને તેના ભાગીદાર બોપલમાં રહેતા ભૂમિબહેન નિલેશભાઈ રસાણીયાને મળવા કહ્યું હતું. ચારેક દિવસ પછી હાર્દિકે ભૂમિબહેનને પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ આપી હતી. ભૂમિબહેને બાદમાં ફોન પર કન્સલ્ટન્સી ચાર્જ પેટે રૂ.90 હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. 7 માર્ચના હાર્દિકે ગૂગલ પેથી રૂ.50 હજાર અને 10 માર્ચે વધુ રૂ.40 હજાર ટ્રાન્સ્ફર કરી આપ્યા હતા. બાદમાં યુનિવર્સિટી પસંદગી કરવાનું જણાવીને એપ્લિકેશન ફીના ચાર્જ પેટે વધુ દોઢ લાખ રકમ લીધી હતી. યુનિર્સિટીમાં વિદ્યાર્થી સાથે કરારની ફી પેટે વધુ રૂ.24,432 પણ લીધા હતા. બાદમાં ભૂમિબહેને લોન થતી ન હોવાનું જણાવીને સૈયદ પઠાણ નામના ટ્રસ્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. ટુકડે ટુકડે કુલ રૂ.11,61,724 રકમ મેળવી હતી. ભૂમિબહેન પર શંકા જતા ઓસ્ટ્રેલિયાની યુનિ.ના મેઇલ આઈડી પર મેઇલ મોકલી તપાસ કરતા એડમિશન ન થયું હોવાનું જણાવ્યું હતું. વિઝા અપાવવાનું કહીને નાણાં લઈને વિઝા કે એડમિશન ન કરાવી આપી છેતરાપિંડી કરી હોવાની ફરિયાદ જાગૃતિબહેને નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક