• બુધવાર, 25 માર્ચ, 2026

વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફીલીંગનો પર્દાફાશ, 1 લાખનો મુદામાલ જપ્ત એસઓજીની ટીમે પાડયો દરોડો, 30 જેટલા સિલિન્ડર સાથે 1,07,320 નો મુદ્દામાલ ઝડપાયો

વેરાવળ, તા.24: ગિર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ગેસ રિફીલીંગના નેટવર્કનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પર્દાફાશ કર્યો છે. જેમાં વેરાવળના સુપાસી ગામે આવેલી વાવડી રોડ પર ગેસના ગેરકાયદે રિફીલીંગ નેટવર્કનો ભંડાફોડ થયો છે. દરોડામાં આશરે 30 જેટલા ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ લખમણ વાસા બારડ નામના ઈસમ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. જેમાં ઓછા ખર્ચે ગેસ રિફીલીંગ કરી લોકો સુધી પહોંચાડવાનું આ નેટવર્ક લાંબા સમયથી કાર્યરત હોવાની આશંકાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા સિલિન્ડર અને સાધનો મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરી છે. પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ખાલી-ભરેલા બાટલા 30 (રૂ. 95,320), ગેસ રિફીલીંગ માટેની ઇલેક્ટ્રિક મોટર 2 (રૂ. 6,000), રેગ્યુલેટર અને નળીઓ 4 (રૂ. 1,000), વજન કાંટો 1 (રૂ. 5,000) કુલ મળી રૂ. 1,07,320 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ગેરકાયદે રીતે ગેસ રિફીલીંગ કરવું અત્યંત જોખમી છે. આવી પ્રવૃત્તિઓમાં સલામતીના કોઈ નિયમોનું પાલન થતું નથી, જેના કારણે આગ અથવા વિસ્ફોટ જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક