પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.24: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઇંધણની
તંગી અંગે વહેતી થયેલી વાતો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરામ મૂક્યો છે. મુખ્યમંત્રીએ
રાજ્યની જનતાને સંબોધતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોએ પેટ્રોલ અને ડીઝલની અછતની
અફવાઓથી જરા પણ ગભરાવાની જરૂર નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી
વિગતો પર વિશ્વાસ ન કરવા અને બિનજરૂરી ચિંતા ન કરવા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું
છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાતરી આપી છે કે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ
પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની કોઈ જ જરૂર નથી. ઇંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
છે અને પુરવઠા શૃંખલા જાળવી રાખવા માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. લોકોમાં વ્યાપેલી
ગેરસમજને કારણે બિનજરૂરી ભીડ જોવા મળી રહી છે, જે ટાળવી જોઈએ જેથી વ્યવસ્થા જળવાઈ રહે.
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ, ડીઝલ અને
રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને તેમાં કોઈ વિક્ષેપ પડશે નહીં. ઉચ્ચ
સ્તરીય બેઠકોમાં પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને કંપનીઓ સાથે સંકલન સાધીને
દરેક વિસ્તારોમાં નિયમિત વિતરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
‘બધાને
બધું મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે,‘ તેવા મક્કમ શબ્દોમાં મુખ્યમંત્રીએ
રાજ્યના તમામ નાગરિકોને શાંતિ જાળવવા અને સરકારને સહકાર આપવા અપીલ કરી છે. ઇંધણની તંગીના
ખોટા સમાચારો ફેલાવનારા તત્વોથી સાવધ રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા
સૂચન કર્યું હતું. રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને તમામ જીવનજરૂરી ઉર્જા સ્ત્રોતો
પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી જનતાએ ગભરાઈને સંગ્રહખોરી કે બિનજરૂરી દોડધામ કરવી
જોઈએ નહીં. ઘણીવાર અફવાઓને કારણે લોકોમાં ’પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) વધે છે,
જેનાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થતી હોય છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આવી કોઈ
ગંભીર સ્થિતિ ગુજરાતમાં નથી.
વૈશ્વિક
પરિસ્થિતિને કારણે કાચા તેલ કે અન્ય આયાતી ચીજો પર જે અસર પડી છે, તેના પર ભારત સરકાર
ખૂબ જ બારીકાઈથી ધ્યાન આપી રહી છે. ગુજરાત સરકાર પણ કેન્દ્રીય મંત્રાલયો સાથે સતત સંપર્કમાં
છે જેથી કરીને રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જીવનજરૂરી ચીજવસ્તુઓનો
પુરવઠો ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.