- ટેલિફોનિક ચર્ચામાં મોદીએ કહ્યું, શાંતિ સ્થાપવાનાં પ્રયાસમાં ભારત સકારાત્મક ભૂમિકા માટે તૈયાર
નવીદિલ્હી,
તા.24: અખાતનાં દેશોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિકોનિક વાતચીત કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે
કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર
ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી આ ચર્ચામાં મધ્ય પૂર્વની હાલની સ્થિતિ પર વિગતવાર
વિચારવિમર્શ થયો અને તેમાં હોર્મુઝે જળ માર્ગ ખુલ્લો અને સુરક્ષિત રાખવાની આવશ્યકતા
પર પણ ભાર મૂકાયો હતો. રાજદૂત ગોરે આ વાતચીતને બંને દેશો વચ્ચેની મજબૂત મિત્રતાનું
પ્રતીક ગણાવી હતી.
ટ્રમ્પ
સાથેની વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આની જાણકારી
આપતાં લખ્યું હતું કે, ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા અને શક્ય તેટલી વહેલી તકે
શાંતિ સ્થાપિત કરવાનાં પક્ષમાં છે. ચર્ચા દરમિયાન હોર્મુઝ માર્ગ ખુલ્લો અને સલામત જરૂરિયાત
પર ભાર મૂકાયો કારણ કે તે સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ દરમિયાન બંને
નેતાઓએ શાંતિ અને સ્થિરતા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે સતત સંપર્કમાં રહેવા પર સહમતિ
વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત વિસ્તારમાં શાંતિ સ્થાપવા
માટેના દરેક પ્રયાસમાં સકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે. બંને નેતાઓની આ વાતચીત એ દિવસે થઈ જ્યારે એક દિવસ પહેલા
જ અમેરિકાના રાષ્ટ્રપતિએ મધ્ય પૂર્વમાં વેરભાવનાં સંપૂર્ણ અને વ્યાપક ઉકેલ માટે ખુબ
જ સારી અને રચનાત્મક વાટાઘાટો ઈરાન સાથે ચાલતી હોવાનો દાવો કર્યો હતો.
અમેરિકાનાં
રાજદૂત ગોરની સોશિયલ મીડિયા પોસ્ટ એવા અહેવાલો પછી થોડા કલાકોમાં આવી, જેમાં દાવો કરવામાં
આવ્યો હતો કે પાકિસ્તાન પોતાને અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધમાં મુખ્ય મધ્યસ્થ તરીકે સ્થાપિત
કરવાની કોશિશ કરી રહ્યું છે.
મીડિયા
અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીરે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ
ટ્રમ્પ સાથે વાત કરી અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસોમાં પાકિસ્તાનની ભૂમિકા
આગળ વધારવાની ઓફર કરી હતી. આ સંદર્ભમાં ઇસ્લામાબાદને સંભવિત ચર્ચા સ્થળ તરીકે પણ પ્રસ્તાવિત
કરવામાં આવ્યું હોવાનું અહેવાલોમાં જાણવા મળે છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર
પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, ઇરાનના સરકારી અને અર્ધ-સરકારી મીડિયાએ અમેરિકા સામે કડક
ચેતવણીઓ આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પના વાટાઘાટનાં દાવાઓને નકારી કાઢ્યા છે. અહેવાલો અનુસાર,
ઇરાની મીડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ
નથી અને બંને દેશો વચ્ચેના મોટા ભાગના કૂટનીતિક સંપર્ક તૂટેલા છે.