• બુધવાર, 25 માર્ચ, 2026

હવે 8 કલાક અગાઉ રેલવે ટિકીટ રદ કરાવવામાં આવે તો જ મળશે રિફંડ - ટ્રેન પ્રસ્થાનનાં 30 મિનિટ પહેલા સુધી બદલી શકાશે બોર્ડિંગ સ્ટેશન

નવીદિલ્હી, તા.24 : ભારતીય રેલવેએ ટિકિટ રદ કરાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાક કરતાં ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે તો તેને કોઈપણ રિફંડ મળશે નહીં. એટલે કે જો તમારી ટ્રેન સાંજે 6 વાગ્યે છે, તો સવારે 10 વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે. અન્યથા રિફંડ નહીં મળે.

અગાઉ આ સમય મર્યાદા 4 કલાકની હતી અને તેમાં 50% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે પરંતુ 24થી 8 કલાક વચ્ચે ટિકિટ રદ કરવાથી હજી પણ 50% જ રકમ પાછી મળશે. આ ઉપરાંત હવે મુસાફરો ટ્રેન રવાનાં થાય તેની 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે આ ફેરફાર એજન્ટો અને દલાલો ટિકિટોની જથ્થાબંધ બાકિંગ ન કરી શકે તે માટે કરવામાં આવ્યો છે. નવા નિયમો 1થી 15 એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ તબક્કામાં લાગુ થશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, દલાલોની કામની પેટર્નને ધ્યાનમાં રાખીને આ બદલાવ કરવામાં આવ્યો છે. દલાલો ઘણીવાર વધારાની ટિકિટ બુક કરી લેતા અને ગ્રાહક ન મળતા ટ્રેન રવાનાં થાય તેની પહેલાં જ તેને રદ કરીને રિફંડ લઈ લેતા હતા. રિફંડના નિયમોને કડક બનાવવાથી દલાલો દ્વારા ટિકિટોની જમાખોરી ઓછી થશે અને સામાન્ય મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે.

રેલ મંત્રાલયે બોર્ડિંગ સ્ટેશન બદલવાની સમય મર્યાદા પણ વધારી છે. હવે મુસાફરો ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયથી 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ પોઇન્ટ બદલી શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત ચાર્ટ તૈયાર થાય તે પહેલા સુધી જ ઉપલબ્ધ હતી. આ નિયમ ખાસ કરીને મોટા શહેરોમાં ઉપયોગી સાબિત થશે, જ્યાં એકથી વધુ રેલવે સ્ટેશનો હોય છે. મુસાફરો પોતાની સુવિધા મુજબ નજીકના કોઈપણ સ્ટેશનથી ટ્રેન પકડી શકશે. મુસાફરો આઇઆરસીટીસીની વેબસાઇટ, એપ અથવા રેલવે કાઉન્ટર મારફતે પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. જોકે, એકવાર બોર્ડિંગ પોઈન્ટ બદલી દીધા પછી તમે જૂના સ્ટેશન પરથી ટ્રેન પકડી શકશો નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક