• બુધવાર, 08 એપ્રિલ, 2026

ચાંદખેડા: બે માસૂમના મૃત્યુનું રહસ્ય જાણવા દફન કરાયેલો દેહ બહાર કઢાયો

અમદાવાદ, તા.7, (અમારા પ્રતિનિધિ તરફથી) : ચાંદખેડા વિસ્તારમાં મારૂતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા પ્રજાપતિ પરિવારમાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મૃત્યુના મામલે તપાસ તેજ બની છે. સત્ય શોધવા માટે પોલીસે એફએસએલની હાજરીમાં અઢી મહિનાની મૃતક બાળકીના દેહને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

     આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી રસોઈ જમ્યા બાદ વિમલભાઈ પ્રજાપતિ, તેમના પત્ની ભાવનાબેન અને બે પુત્રીઓની તબિયત લથડી હતી. આ ઝેરી અસરને કારણે 4 વર્ષની અને અઢી મહિનાની બાળકીના કરુણ મૃત્યુ  નિપજ્યા હતા, જ્યારે દંપતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના સભ્યોએ ડેરીના ખીરાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ખીરાના નમૂના લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. બીજી તરફ, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

પોલીસ હાલમાં આ ઘટના પાછળ ‘ફૂડ પોઈઝાનિંગ’ છે કે અન્ય કોઈ કારણ, તે જાણવા સામૂહિક આપઘાત અને અકસ્માતે મૃત્યુ એમ બન્ને દિશામાં તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક