તોગડિયાએ કહ્યું, પરિસરમાં શિવલિંગ અને મૂર્તિઓ પુરવાર કરે છે કે આ મંદિર હતું, મસ્જિદ નહીં
નવી દિલ્હી, તા.7: મધ્ય પ્રદેશના
ધાર સ્થિત ભોજશાળા બહાર હિંદુ સમાજે સત્યાગ્રહ કરતા હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કર્યું
હતું. ત્યારબાદ આતંરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પરિસરનું નિરીક્ષણ
કર્યું હતું. તેમણે કહ્યું કે અહીં શિવાલિંગ, મૂર્તિઓ અને અન્ય ચિહ્નો મોજૂદ છે, જે
દર્શાવે છે કે આ સ્થાન મંદિર છે. તેમણે માગ કરી કે અહીં વાગ્દેવીની મૂર્તિ સ્થાપિત
કરીને નિરંતર પૂજાની મંજૂરી આપવામાં આવે અને નમાઝ પર રોક લગાવવામાં આવે. આ મામલે હાલ
હાઈકોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. હિંદુ પક્ષે પોતાની દલીલોમાં કહ્યું છે કે
આ દેવી સરસ્વતીનું મંદિર છે અને મસ્જિદ હોઈ જ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ભોજશાળાને હિંદુ
પક્ષ તેને વાગ્દેવીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ તરીકે
ઓળખાવે છે. આ વિવાદિત સ્થળ એએસઆઈના સંરક્ષણ હેઠળ છે. હિંદુ પક્ષે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં
દલીલ કરી હતી કે ઐતિહાસિક નોંધો અને એએસઆઈનાં વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ મંદિર હોવાનાં
દાવાને સાચો સાબિત કરે છે. એકબાજુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજીબાજુ ભોજશાળા
પરિસર બહાર હિન્દુ સમાજે આજે હનુમાન ચાલીસનાં પાઠ અને પૂજા કર્યા હતાં. ત્યારબાદ તોગડિયાએ
કહ્યું હતું કે, અહીં શિવલિંગ અને મૂર્તિઓથી સાબિત થાય છે કે, આ એક મંદિર છે અને ત્યાં
કેવળ હિન્દુઓને જ પૂજાની અનુમતિ મળવી જોઈએ, નમાઝ બંધ થવી જોઈએ.