કોંગ્રેસ નેતા ન મળ્યા: પોલીસે કહ્યું, ગમે ત્યાંથી શોધી લેશુ: કોંગ્રેસ-ભાજપના સામસામા પ્રહાર
નવી દિલ્હી, તા.7 : આસામમાં વિધાનસભા
ચૂંટણીથી પહેલાં રાજકીય બબાલ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી
હિમંતા બિસ્વા સરમાના પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો આરોપ લગાવ્યા બાદ આસામ પોલીસની
ટુકડી આજે દિલ્હી સ્થિત ખેડાના નિવાસે ધસી આવી હતી. જોકે ત્યાં કોંગ્રેસના પ્રવક્તા
મળ્યા ન હતા. આ પછી ટુકડી પોતાની સાથે થોડો સામાન લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. આજની
કાર્યવાહી બાદ કોંગ્રેસે આક્રમક બનીને ભાજપ પર પ્રહારો કર્યા હતા જ્યરારે આસામના મુખ્યમંત્રી
સરમાએ આરોપ લગાવ્યો હતો કે ખેડા હૈદરાબાદ નાસી ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,
મંગળવારે આસામ પોલીસની એક ટીમ કોંગ્રેસ નેતા પવન ખેડાના દિલ્હી નિવાસસ્થાને પૂછપરછ
માટે પહોંચી હતી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને તેમના પરિવાર સામે
લગાવવામાં આવેલા આરોપો સાથે જોડાયેલા કેસના સંદર્ભમાં શોધખોળ હાથ ધરી હતી.
કોંગ્રેસ નેતાના ઘરની બહાર પત્રકારો
સાથે વાત કરતા, આસામ પોલીસના ડીસીપી દેબોજીત નાથે જણાવ્યું હતું કે ખેરા તેમના નિવાસસ્થાને
મળી આવ્યા નથી. જોકે, તેમણે કહ્યું કે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ઇલેક્ટ્રોનિક
ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. કેટલીક ‘ગુનાહિત સામગ્રી‘ મળી આવી હતી પરંતુ આ તબક્કે
તેની વિગતો જાહેર કરી શકાશે નહીં એમ તેમણે
કહ્યું હતું.
ડીસીપીએ જણાવ્યું હતું કે ગુવાહાટીના
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપીએ જણાવ્યું હતું કે
કોંગ્રેસ નેતાનું ઠેકાણું હાલમાં અજાણ છે, પરંતુ તેમને શોધી કાઢવામાં આવશે.
કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે
કહ્યું કે ખેડા સામે આજની કાર્યવાહી સાબિત કરે છે કે આસામના મુખ્યમંત્રી પરેશાન, હતાશ
અને ડરી ગયા છે.