- પોલીસનાં ફાયરિંગમાં અનેક ઘાયલ : ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી
નવીદિલ્હી,
તા.7 : ઈશાની રાજ્ય મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં સોમવારે રાત્રે સંદિગ્ધ કુકી ઉગ્રવાદીઓ
દ્વારા રોકેટથી કરવામાં આવેલા હુમલામાં બે બાળકનાં મૃત્યુ થયાં હતાં અને તેની માતા
ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાના પછી ત્યાં ભારે વિરોધ પ્રદર્શન થયું અને વિસ્તારમાં
ફરી એકવાર હિંસા ભભૂકી ઊઠી હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સુરક્ષા દળોને ગોળીબાર
કરવા પડેલા અને તેમાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ તણાવ વધુ વધી ગયો.
આને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ બિષ્ણુપુર તેમજ આસપાસનાં પાંચ જિલ્લા- ઈમ્ફાલ પશ્ચિમ,
ઈમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ
મૂક્યો હતો.
પ્રાપ્ત
અહેવાલો અનુસાર બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં રાત્રે લગભગ 1 વાગ્યે
સંદિગ્ધ ઉગ્રવાદીઓએ એક ઘરમાં બોમ્બ ફેંક્યો, જેનાં કારણે 5 વર્ષનાં એક બાળક અને 6 મહિનાની
બાળકીનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે રૂમમાં બાળકો અને તેમની માતા
સુતા હતાં તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. આ ઘટનામાં માતા પણ ઘાયલ થઈ હતી.
આ
ઘટનાના વિરોધમાં સવારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને રસ્તા
જામ કરી દીધા. પ્રદર્શનકારીઓએ પોલીસ પિકેટને નિશાન બનાવ્યું અને પેટ્રોલ પંપ પાસે બે
ઓઇલ ટેન્કર અને એક ટ્રક સહિત અનેક વાહનોમાં આગ લગાવી દીધી. ટોળાએ ટાયર સળગાવ્યા અને એક અસ્થાયી પોલીસ ચોકીમાં તોડફોડ
કરી હતી. તણાવ વધતા સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતાં.
જ્યારે
પ્રદર્શનકારીઓ બેકાબૂ બન્યા ત્યારે તેમને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ફાયારિંગ
કરવામાં આવ્યું, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતાં. ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ,
પરંતુ વધારાના સુરક્ષા દળોની તૈનાતી બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો
છતાં પણ વિસ્તારમાં તણાવ યથાવત છે.
મુખ્યમંત્રી
વાય.ખેમચંદ સિંહે આ હુમલાની કઠોર નિંદા કરી હતી અને આ બર્બર કૃત્યને માનવતા ઉપર હુમલો
ગણાવ્યો હતો. તેમણે આ હુમલા માટે જવાબદારો સામે કાનૂની કાર્યવાહીની ધરપત પણ આપી હતી.