• મંગળવાર, 28 એપ્રિલ, 2026

અમદાવાદના શાંગ્રિલા આર્કેડમાં આગ : 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું ચાર મહિલા બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ : એ.ટી.એમ.-વાહનો બળીને ખાક

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.27: અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે આજે સવારે શાંગ્રિલા આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળા નીચેથી ઉપરના માળ સુધી ફેલાતા બિલ્ડિંગમાં નાસભાગ મચી ગઈ હતી. પાર્કિંગમાં પાર્ક કરેલા સંખ્યાબંધ વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ શાંગ્રિલા આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે આશરે આગની ઘટના બની હતી. બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને એક સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી. ફાયર કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પહેલાથી ચોથા માળ સુધી આગ અને ધુમાડો ફેલાઈ જતા અંદાજે 50 જેટલા લોકો અંદર ફસાયા હતા. આ બિલ્ડિંગમાં આવેલા જીમમાં લોકો કસરત કરવા આવ્યા હતા. જે ફસાતા તેમને ફાયર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, અતિશય ધૂમાડો ફેલાતા તેની અસરથી ચાર મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ નીચે આવેલી ખાનગી બેન્કના ઈલેક્ટ્રિક નેમ ડિસ્પ્લે બોર્ડમાં લાગી હતી. બાદમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગે નીચેના માળે આવેલી દુકાનોને પણ લપેટમાં લઈ લેતા તેમાં રખાયેલો માલસામા એટીએમ તથા પાર્કિંગમાં રહેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા કુલ 38 વાહન અને 138 જેટલા સ્ટાફને કામે લગાડવામાં આવ્યા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક