રાજ્યસભામાં ભાજપનું સંખ્યા બળ વધીને 113 : બનાવ્યો રેકોર્ડ
નવી
દિલ્હી, તા. 27 : આમ આદમી પાર્ટી છોડનારા રાજ્યસભાના સાત સાંસદને ભાજપમાં વિલયની મંજૂરી
મળી છે. આ સાથે જ ભાજપના રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 થઈ છે. ભાજપના ઈતિહાસમાં પહેલી
વખત રાજ્યસભાના સાંસદોની સંખ્યા 113એ પહોંચી છે જ્યારે આપના રાજ્યસભા સાંસદોની સંખ્યા
10માંથી સીધી ત્રણ થઈ છે. જે સાંસદો ભાજપમાં જોડાયા તેઓ બધા પંજાબથી હતા અને હવે પંજાબથી
આપના રાજ્યસભા સાંસદ માત્ર એક જ રહ્યા છે. બલબીર સિંહ સીચેવાલે પક્ષ બદલ્યો નથી.
આ
મામલે આમ આદમી પાર્ટીએ ત્રણ સાંસદ સામે પણ અરજી રાજ્યસભા સ્પીકર સમક્ષ આપી હતી અને
સભ્યપદ રદ કરવા માગણી કરી હતી. આપે દલીલ કરી હતી કે ત્રણ સાંસદે પક્ષ છોડયો છે અને
ચાર જોવા મળ્યા નથી. તેવામાં અલ્પમતમાં હોવાનાં કારણે પક્ષ બદલુ કાયદા હેઠળ પ્રક્રિયા
આવે છે. હવે રાજ્યસભાના ચેરમેન સીપી રાધાકૃષ્ણને સોમવારે તમામ સાંસદોના ભાજપમાં વિલયને
મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી બાદ ઉચ્ચ સદનમાં ભાજપની તાકાત વધી છે. એક જ ઝટકામાં
ભાજપની છાવણીમાં સાત સભ્ય વધ્યા છે. આપ છોડીને ભાજપમાં જનારા સાંસદોમાં સૌથી ચર્ચિત
નેતા રાઘવ ચઢ્ઢા ઉપરાંત પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ, રાજ્યસભામાં આપના ઉપનેતા અશોક મિત્તલ,
સંદીપ પાઠક, વિક્રમજીત સિંહ, સ્વાતિ માલીવાલ અને રાજિંદર ગુપ્તા સામેલ છે. આ સાંસદોમાં
સૌથી ચોંકાવનારું નામ સંદીપ પાઠકનું છે. જેઓને એક સમયે કેજરીવાલના નજીકના નેતા ગણવામાં
આવતા હતા.
-------------
આપ
છોડીને ભાજપમાં કેમ જોડાયા ? રાઘવ ચઢ્ઢાએ કહ્યું, હતા ત્રણ વિકલ્પ
નવી
દિલ્હી, તા. 27 : આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢાએ હવે પક્ષ બદલવાનું
કારણ બતાવી દીધું છે. રાઘવ ચઢ્ઢાએ આરોપ મૂક્યો હતો કે આપ ભ્રષ્ટ લોકોના હાથમાં હોવાથી
ત્યાં કામ કરવા લાયક માહોલ નથી. રાઘવ ચઢ્ઢાએ ફોડ પાડતા આગળ કહ્યું હતું કે તેમની સામે
માત્ર ત્રણ વિકલ્પ હતા. રાજનીતિ છોડવી, આપમાં જ રહેવું અને અમુક બાબતો યોગ્ય કરવા પ્રયાસ
કરવો અને પોતાની એનર્જી અને અનુભવ લઈને સકારાત્મક રાજનીતિ કરવી તેમજ ત્રીજો વિકલ્પ
અન્ય પાર્ટી સાથે જોડાઈને સકારાત્મક રાજનીતિ કરવાનો હતો. આ માટે પોતે એકલાએ નહીં પણ
છ અન્ય સાંસદે પણ નિર્ણય કર્યો હતો કે આપ સાથે સંબંધો તોડશે.