-2021 કરતાં મહાનગરો-નગરો જેવા શહેરી વિસ્તારોમાં 3 ટકા વોટમાં વધારો, ગ્રામ્ય વિસ્તારોમાં 4 ટકા વોટનો ઘટાડો
-જિલ્લા-તાલુકા
પંચાયતોના મતદારોમાં રોષ-અસંતોષ દેખાયો પણ તે વિકલ્પના અભાવે પરિવર્તન કરાવે તેટલો
મજબૂત ન બન્યો
હૃષિકેશ
વ્યાસ
અમદાવાદ,તા.27
: 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1001 બેઠકો
માટે 49.10 ટકા, 84 નગરપાલિકાઓની 2326 બેઠકો માટે 59.53 ટકા, 34 જિલ્લા પંચાયતોની
1038 બેઠકો માટે 61.77 અને તાલુકા પંચાયતોની 4976 બેઠકો માટે 62.45 ટકા મતદાન થયું
હતું. આમ, મહાનગરપાલિકા-નગરપાલિકા જેવા શહેરી-અર્ધ શહેરી વિસ્તારોની સરખામણીમાં જિલ્લા-તાલુકા
પંચાયતો જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધુ છે.
જો
કે, આ મનપાઓમાં 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરખામણીમાં વધુ મતદાન થયું છે.
નગરપાલિકાઓમાં સાવ સામાન્ય વધારો થયો છે જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં
2021ની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે. જેનો સ્પષ્ટ અર્થ એ મનાય છે કે, ગત ચૂંટણી કરતાં
આ વખતે શહેરી વિસ્તારોમાં ઉત્સાહ વધારે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદાસીનતા જોવા મળી
હતી અર્થાત મનપા- પાલિકાઓમાં ભાજપનું શાસન જળવાઈ રહે પણ બેઠકોમાં ઘટાડો થાય અને વિપક્ષની
બેઠકો વધી શકે છે. જ્યારે જિલ્લા-તાલુકા પંચાયતોના મતદાનમાં આ વખતે થયેલા વધારાથી ભાજપના
વોટ-શેરમાં મોટો ઘટાડો સંભવ છે એટલે કે ભાજપની બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના નકારી
શકાતી નથી.
એમ
પણ કહી શકાય કે, ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી હતી પરંતુ તેની
તીવ્રતા એટલી ન હતી કે, જેનાથી સત્તાધારીઓને પરાજ્ય અને વિપક્ષને વિજય મળી શકે. આ ચૂંટણીઓમાં
95 ટકા મતદારો મતદાન કરવાના હતા એટલે તેને મીની વિધાનસભાની ચૂંટણી માનવામાં આવી હતી.
હવે, આ ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળેલી નારાજગી આગામી વિધાનસભાની ચૂંટણીની
રણનીતિ માટે દિશાદર્શક સાબિત થઈ શકે છે. સંભવ છે કે, આ પરિણામો ભાજપ હાઈકમાન્ડની ગણતરી
મુજબના નહીં હોય તો, રાજ્ય કક્ષાએ પણ મોટા ફેરફારની સંભાવના નકારી શકાતી નથી.
મહાનગરપાલિકામાં
2021માં મતદાન 46.10 ટકા પરથી 2026માં વધીને 49.14 ટકા થયું છે. નગરપાલિકાઓમાં પણ
2021ના 58.82 ટકા મતદાનથી વધીને 2026માં 59.53 ટકા સુધી નાનો પણ અર્થપૂર્ણ વધારો નોંધાયો
છે. તેના વિપરીત, જિલ્લા પંચાયતોમાં 2021ના મતદાન 65.80 ટકા પરથી ઘટીને 2026માં 61.77
ટકા થયું છે અને તાલુકા પંચાયતોમાં પણ 2021ના 66.60 ટકા મતદાનથી ઘટીને 2026માં 62.45
ટકા સુધી આવી ગયું છે.
શહેરોમાં ઉત્સાહ અને ગામડાઓમાં ઉદાસીનતા તે રાજકીય
પક્ષો માટે એકસાથે તક અને ચેતવણી બંને છે. ખાસ કરીને મનપાના મતદાનમાં 3 ટકા કરતાં વધુનો
ઉછાળો સામાન્ય નથી પરંતુ બદલાતા શહેરી રાજકારણનું પ્રતાબિંબ છે. ગ્રામ્ય વિસ્તારોમાં
મતદાનમાં થયેલો 4 ટકા જેટલો ઘટાડો વધુ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સામાન્ય રીતે ગામડાઓમાં
મતદાન વધુ રહેતું હોય છે પરંતુ આ વખતે મતદારોમાં ઉદાસીનતા, સ્થાનિક સ્તરે સ્પર્ધાની
કમી અથવા રાજકીય અસંતોષ જેવા પરિબળો અસરકારક બની શકે છે. કેટલાક વિસ્તારોમાં એકતરફી
લડત અથવા મતદારોમાં પરિણામ પહેલેથી નક્કી છે જેવી માનસિકતા પણ મતદાન ઘટાડવાનું કારણ
બની શકે છે.