• મંગળવાર, 28 એપ્રિલ, 2026

દેશમાં અગન તાંડવ : ગરમી, તોફાન, વીજળીથી 7નાં મૃત્યુ

રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સાત શહેરમાં પારો 46 ડિગ્રી પાર

નવી દિલ્હી, તા. 27 : ભારતીય જનજીવન અસહ્ય ઉકળાટમાં અકળાઇ રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ઉષ્ણતામાપક પારો 46 ડિગ્રીને પાર ચાલ્યો ગયો હતો. બિહારમાં ગરમી સહન ન થઇ શકતાં બે લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો આ રાજ્યના નેપાળ સીમા નજીકના જિલ્લાઓમાં તોફાની પવન સાથે વીજળીનાં કારણે પાંચ લોકોએ જીવ ખોયો હતો.

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશભરનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. અમરાવતીમાં 46.8, બાંદામાં 46.6 ડિગ્રી, વર્ધા અને બાડમેરમાં  46.4 ડિગ્રી તાપ રહ્યો હતો.

ઉત્તરપ્રદેશના 60 જિલ્લામાં લૂનું એલર્ટ જારી કરાયું હતું. દેશવ્યાપી અગન તાંડવે જનજીવનને પરેશાન કરી મૂક્યું છે.

-----------

પ્રચંડ ગરમીથી બચવા કેન્દ્રની એડવાઇઝરી

નવી દિલ્હી, તા. 27 : ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. હવામાનમાં બદલાવ અને તાપમાનનો પારો ચડવાની સાથે જ બીમારીનું જોખમ પણ વધવા લાગ્યું છે. ઘણી જગ્યાએ લૂ અત્યારથી જ લોકોને પરેશાન કરી રહી છે. તેવામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. સરકારે આ મામલે નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. ભીષણ ગરમી મુદ્દે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે બેઠક પણ કરી હતી. જેમાં રાજ્યોને અલગ અલગ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતના મોટાભાગનાં રાજ્યોમાં સરેરાશ તાપમાન 40થી 42 ડિગ્રી થઈ રહ્યું છે. તેવામાં ગરમીનાં કારણે લૂ લાગવી, થાક, ડિહાઇડ્રેશન, સ્નાયૂમાં તકલીફ, હીટ રેશ અને ફૂડ પોઇઝનિંગ સામાન્ય બાબત છે. આ ઉપરાંત ટાઇફોઇડ, ચિકનપોક્સ અને પેટ સંબંધિત બીમારીઓનું જોખમ છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર તાપમાનમાં વધારા સાથે બીમારીઓથી બચાવ જરૂરી છે.

દેશમાં વધતી હિટવેવને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકોને ગરમી અને હિટ સ્ટ્રોકથી બચવા માટે એડવાઇઝરી જાહેર કરી હતી. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને જળવાયુ પરિવર્તન તેમજ માનવ સ્વાસ્થ્ય ઉપર રાષ્ટ્રીય કાર્યક્રમને એડવાઇઝરી જાહેર કરતા કહ્યું હતું કે હીટવેવની અસર લાંબી રહી છે અને શરીરમાં પાણીની કમીનાં કારણે હીટ સ્ટ્રોકનું જોખમ છે. સ્વાસ્થ્ય એજન્સીઓએ લોકોને અપીલ કરી છે કે આવા સમયમાં પર્યાપ્ત પાણી પીવામાં આવે, હળવાં કપડા પહેરવામાં આવે અને બપોરના 12થી 4 જરૂર વગર બહાર નીકળવાનું લોકો ટાળે. વધુમાં આલ્કોહોલ, ચા, કોફી પણ વધુ ન પીવા સલાહ આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક