• શુક્રવાર, 01 મે, 2026

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકનો આપઘાત

મોરબી,તા.30: મોરબીના શનાળા રોડ પર હોટલ ચલાવતા એક સંચાલકે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ધંધા માટે ઉંચા વ્યાજે લીધેલા નાણાંના બદલામાં પરિવારે જમીન અને દાગીના વેચીને લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં, વ્યાજખોરો કોરા ચેક અને મકાનના દસ્તાવેજ પડાવી વધુ નાણાંની માંગણી કરી ધમકાવતા હતા. આ સતત સતામણીથી કંટાળીને હોટલ સંચાલકે અંતિમ પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે.

આ ચકચારી કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓ કિશનભાઇ મનુભાઇ રાઠોડ, લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અને ગીરીરાજાસિંહ ગોહીલની ધરપકડ કરી છે. મૃતકના પુત્ર નિરવભાઈએ નોંધાવેલી ફરિયાદમાં કુલ સાત શખ્સોના નામ આપવામાં આવ્યા છે, જેમાંથી અન્ય ચાર ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ વ્યાજચક્રમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક