જામનગર, તા.30 : જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા ઈસરાઈલ સમા અને તેમની પત્ની રૂકસારબેન અને પાંચ વર્ષની માસૂમ પુત્રી હબિરાને બાઈક પર લઈને જઈ રહયા હતા તે દરમિયાન બેફામ ગતિએ આવતી એક કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટકકર એટલી ભીષણ હતી કે બાઈકનું પડીકું વળી ગયું હતું અને કારના આગળના ભાગે પણ ભારે નુકસાની થઈ હતી.આ અકસ્માતમાં બાઈક સવાર ઈજાગ્રસ્ત ત્રણેય સભ્યોને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંક સારવાર દરમિયાન પાંચ વર્ષની બાળા હબીરાનું મૃત્યુ નિપપજ્યું હતું જ્યારે ઈસરાઈલભાઈ અને રૂકસારબેન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. આજે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત ઈસરાઈલભાઈનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે અને તેમના પત્ની રૂકસારબેન ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આવા ગંભીર હિટ એન્ડ રનના બનાવમાં પાંચ-પાંચ દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ નથી કરી શકી અને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા તપાસ ચલાવી રહી છે. આ અકસ્માતમાં આજે બાઈકચાલક ઈસરાઈલભાઈનું મૃત્યુ નિપજતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે અને કારચાલકને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માગણી કરવામાં આવી છે.