• સોમવાર, 18 મે, 2026

ભારતમાલા રોડ પર નીલગાય આડી ઉતારતા અકસ્માત : ધાનેરાના 3 શ્રદ્ધાળુના મૃત્યુ, 3 ગંભીર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.17 : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાનના રણુજા (રામદેવરા) દર્શન કરી કાર દ્વારા પરત ફરી રહ્યા હતા ત્યારે ભારતમાલા રોડ પર અચાનક નીલગાય આડી ઉતરી હતી. વન્યજીવને બચાવવા જતાં ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર જોરદાર પલટીઓ ખાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર અજમલભાઈ ચૌધરી (35), હિતેશભાઈ ચૌધરી (32) અને યોગેશભાઈ ચૌધરી (18) નામના ત્રણ યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં. એક જ ગામના ત્રણ આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર થાવર ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતમાં અન્ય ત્રણ મુસાફરો-અશોક ચૌધરી (26), કમલેશ ચૌધરી (30) અને આઠ વર્ષના માસૂમ આયુષ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને 108ની મદદથી ઈજાગ્રસ્તોને પ્રથમ બાલોતરાની નાહટા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ ગંભીર હાલત હોવાના કારણે જોધપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઇ વે પર રખડતા વન્યજીવોના કારણે સર્જાતી આવી હોનારતોને રોકવા માટે ભારતમાલા રોડ પર યોગ્ય ફેન્સિંગ કરવાની માંગ સ્થાનિકોમાં ફરી ઉગ્ર બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક