અફઘાનિસ્તાનમાં વિવાદાસ્પદ કાયદાની દુનિયાભરમાં આલોચના
નવીદિલ્હી, તા.17 : અફઘાનિસ્તાનમાં
તાલિબાન શાસને શાદી, તલાક અને બાલ વિવાહ સંબંધિત એક નવો અને વિવાદાસ્પદ કાયદો લાગુ
કરી નાખ્યો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર તેની ભારે આલોચના થવા લાગી છે.
31 અનુચ્છેદોવાળા આ નિયમને તાલિબાનના
સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાએ મંજૂરી આપી હતી અને ચાલુ માસે શાસને આને રાજપત્રમાં
પ્રકાશિત કરીને લાગુ કરી દીધો છે. આ કાયદાની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ અનુસાર યુવાન થયેલી
કોઈપણ કુંવારી છોકરીનાં મૌનને વિવાહ માટે તેની સહમતી માની લેવામાં આવશે.
આ આદેશમાં ખિયાલ અલ બુલૂગ કે
પછી યુવાની આવતા મળનારા વિકલ્પની વાત પણ કરવામાં આવી છે. ઈસ્લામિક કાયદાનો આ એક એવો
સિદ્ધાંત છે જેમાં નાની ઉંમરે શાદી કરનાર કોઈપણ બાળક યુવાન થયા બાદ પોતાની શાદીને રદ
કરાવી શકે છે. આ ઉપરાંત કોઈ બાળકનાં પિતા કે દાદા સીવાય અન્ય કોઈ સંબંધિત કોઈ સગીરની
શાદી નક્કી કરે તો પણ એ લગ્નને કાનૂની રીતે વૈધ માનવામાં આવશે. એક નિયમ તો એવું પણ
કહે છે કે, જો જીવનસાથે મેળ ન ખાતા હોય અને દહેજ પણ અનુચિત હોય તો એવી શાદીને કાયદેસર
માનવામાં નહીં આવે.