• રવિવાર, 17 મે, 2026

IPL ફાઇનલમાં ભારત આવશે મોહસીન નકવી ?

અમદાવાદમાં થવાની છે ICCની બેઠક : નકવીની હાજરી અંગે અનિશ્ચિતતા

અમદાવાદ, તા. 16 : આઇસીસીની આગામી બેઠક હવે ભારતમાં થવા જઈ રહી છે. સૂત્રો અનુસાર મુખ્ય કારોબારી અધિકારીઓની સમિતિ 21 મેના રોજ એક વર્ચ્યુઅલ બેઠક કરશે. ત્યારબાદ 30 અને 31 મેના રોજ અમદાવાદમાં આઇપીએલ ફાઇનલના રોમાંચક વીકએન્ડ દરમિયાન આઇસીસી બોર્ડની આમનેસામને બેઠક થશે. પહેલાં આ બેઠક માર્ચ એપ્રિલ દરમિયાન કતરના દોહામાં થવાની હતી પણ પશ્ચિમ એશિયા સંકટનાં કારણે સ્થળ અને સમય બદલીને ભારતમાં બેઠક નિશ્ચિત કરવામાં આવી છે.

હવે બેઠક અમદાવાદમાં નક્કી થતા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની ભાગીદારી અંગે સવાલ ઉભો થયો છે. સામાન્ય રીતે હાઈ પ્રોફાઇલ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પીસીબી અધ્યક્ષ મોહસીન નકવીએ હાજર રહેવું જોઈએ. જો કે ભારત અને પાકિસ્તાનની સરકારની સાથે બન્ને દેશના બોર્ડ વચ્ચેના તણાવ ભરેલા સંબંધોને ધ્યાને રાખીને નકવીનું ભારત આવવું અનિશ્ચિત છે.

અટકળો વચ્ચે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો ફરતા થયા હતા કે મોહસિન નકવીને અમદાવાદમાં થનારા આઇપીએલ ફાઇનલને જોવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે આવા દાવાની કોઈ પુષ્ટિ થઈ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે જ્યારથી પીસીબીની કમાન નકવીના હાથમાં છે ત્યારથી બીસીસીઆઇ સાથેના સંબંધો ઠંડા પડી રહ્યા છે. ખાસ કરીને નકવી એશિયા કપ ટ્રોફી લઈને નાસી છૂટતા સંબંધો વકર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક