હોર્મુઝમાં અમેરિકા, ઈરાનની નૌસેનાને આપ્યો ચકમો : કંડલા બંદરે જહાજ લાંગર્યું
નવીદિલ્હી,તા.17:
પશ્ચિમ એશિયામાં ગંભીર તનાવ અને ઘર્ષણ વચ્ચે પણ ભારત માટે ઘરેલું રાંધણગેસનાં પુરવઠા
માટે રાહતનાં સમાચાર આવ્યા છે. અમેરિકાની નાકાબંધી વચ્ચે પણ માર્શલ આઈલેંડ્સનાં ઝંડાવાળું
એલપીજી માલવાહક જહાજ સિમી 20 હજાર ટન ગેસ લઈને ગુજરાતનમાં કંડલા સ્થિત દીનદયાળ બંદરે
સફળતાપૂર્વક આવી પહોંચ્યું છે.
આ જહાજ
13 મેનાં રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયું હતું. છેલ્લા આશરે ત્રણેક માસથી આ
સમુદ્રી માર્ગ અવરોધાયેલો છે. ઈરાને હોર્મુઝ બંધ કરી દીધા બાદ અમેરિકાએ પણ તેની નાકાબંધી
કરીને તમામ જહાજો માટે આ જળમાર્ગ બંધ કરી દીધો હતો. જેને પગલે ભારત સહિત દુનિયામાં
ઉર્જાની ગંભીર કટોકટી પેદા થઈ છે. આ સંજોગોમાં હોર્મુઝમાંથી પસાર થઈને આવેલું આ જહાજ
મોટી રાહત સમાન બની જાય છે.
ઈન્ડિયન
ઓઈલ કોર્પોરેશન(આઈઓસી) દ્વારા કતારનાં રાસ લફ્ફાન ટર્મિનલથી ખરીદવામાં આવેલા આ જહાજ
ઉપર 20 હજાર ટન રાંધણ ગેસ લદાયેલો હતો. જહાજ ઉપર સવાર તમામ 21 વિદેશી ચાલકદળનાં સદસ્યો
પણ સહીસલામત છે. અમેરિકાની નાકાબંધી અને ઓમાનની ખાડીમાં ઈરાની નૌસનાની
સઘન પહેરેદારી વચ્ચે હોર્મુઝમાંથી સુરક્ષિત નીકળવા માટે આ જહાજને આધુનિક પેંતરાબાજીનો
ઉપયોગ કરવો પડયો હતો.
બુધવારે
ઘર્ષણગ્રસ્ત ક્ષેત્રમાંથી પસાર થતી વખતે જહાજે રડારની નજરથી બચવા માટે પોતાની ઓટોમેટિક
આઈડેન્ટીફિકેશન સિસ્ટમ (એઆઈએસ)ને બંધ કરી નાખી હતી. જેનાથી તે રડારને ચકમો આપીને ઈરાનનાં
લાર્ક દ્વીપનાં પૂર્વમાં સુરક્ષિત રીતે પહોંચી શક્યું હતું.
ભારત
સરકારનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ આખા ઓપરેશનને સફળ બનાવવા અને જહાજને કોઈપણ ગોળીબારથી
બચાવવા માટે સરકારનાં ચાર મંત્રાલયો વચ્ચે જબરદસ્ત સમન્વય જોવા મળ્યું હતું. બંદર,
જહાજરાની અને જળમાર્ગ મંત્રાલયનાં અધિક સચિવ મુકેશ મંગલે આની પુષ્ટિ કરતાં કહ્યું હતું
કે, ડીજી શિપિંગ, વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય વચ્ચે ચોવીસ
કલાક સતત સમન્વયનાં કારણે જ આ શક્ય બન્યું હતું.
માર્ચની
શરૂઆતથી અત્યાર સુધીમાં આ ખતરનાક સમુદ્રી અવરોધ પાર કરવામાં 13મું ભારતીય જહાજ સફળ
થયું છે. તેની પાછળ વિયેતનામનાં ધ્વજવાળું અન્ય એક જહાજ એલપીજી ટેન્કર એનવી સનશાઈન
પણ ન્યૂ મેંગ્લોર બંદર તરફ આગળ વધી રહ્યું છે.