• સોમવાર, 18 મે, 2026

ભરત સોંદરવા હત્યા કેસ : બે માસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

માળિયા હાટીના, તા.17 : માળિયા હાટીનાના જુથળ ગામના સામાજિક કાર્યકર અને ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ સોંદરવાની ગત તા. 7-3-2026ના રોજ રમરેચી ગામે થયેલી કરપીણ હત્યાના બે માસ વીતવા છતાં હત્યારાઓ પોલીસ પકડથી બહાર હોવાથી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાની આગેવાનીમાં મૃતકના પિતા અને ભાઈ સહિતના આગેવાનોએ રેન્જ આઇ.જી. કચેરીએ રૂબરૂ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજે આ કેસની તપાસ સી.આઇ.ડી. (ઈઈંઉ) જેવી ઉચ્ચ એજન્સી દ્વારા કરાવવાની અને તટસ્થ ન્યાયની ઉગ્ર માગ કરી છે.

આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો તારીખ 1-6-2026થી જૂનાગઢ ખાતે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વિક્રમભાઈ ગોહિલ, મહેશભાઈ કાથડ અને મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દલિત સમાજના સભ્યોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તપાસમાં કોઈ પ્રગતિ ન જણાતા હવે આરપારની લડાઈ લડવામાં આવશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક