ચેન્નાઇ, તા.17 : અત્યાર સુધીના મોટાભાગના મેચમાં પોતાની બેટિંગના બળે જીત હાંસલ કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો સોમવારના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો થશે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બન્ને ટીમ માટે આ મેચ ઘણો મહત્ત્વનો છે. જો કે સીએસકેની તુલનામાં એસઆરએચની સ્થિતિ વધુ સારી છે. તેના ખાતામાં 12 મેચમાં 7 જીતથી 14 અંક છે અને હાલ પોઇન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે છે જ્યારે સીએસકે પાસે 12 મેચમાં 6 વિજયથી 12 અંક છે અને 6 નંબર પર છે. સીએસકે માટે હવે બાકીના બે મેચ કરો યા મરો સમાન છે. પાછલા મેચમાં લખનઉ સામેની કારમી હારથી તેનો નેટ રન રેટ પણ બગડી ગયો છે.
સીએસકેના
ટોપ ઓર્ડર બેટર જ્યારે પણ સારો દેખાવ કરે છે ત્યારે ટીમને જીત મળે છે. આથી ટીમને સનરાઇઝર્સ
સામેના મેચમાં સંજૂ સેમસન, કપ્તાન ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા પાસેથી
સારા દેખાવની આશા રહેશે. લખનઉ સામે ફકત કાર્તિક શર્માએ જ અર્ધસદી કરી હતી જ્યારે શિવમ
દૂબેએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. જો કે સીએસકેના બોલર 188 રનના સ્કોરનો
બચાવ કરી શકયા ન હતા. એ મેચમાં તેના સ્ટ્રાઇક બોલર અંશુલ કમ્બોજે 2.4 ઓવરમાં 63 રન
લૂંટાવ્યા હતા. આ દરમિયાન તેની એક ઓવરમાં માર્શ અને પૂરને સળંગ 4-4 છક્કા ફટકાર્યા
હતા.
બીજી
તરફ સનરાઇઝર્સ ટીમ માટે પણ પાછલો મેચ દુ:સ્વપ્ન સમાન રહ્યો હતો. ગુજરાત ટાઇટન્સના
169 રન સામે પૂરી ટીમ 86 રનમાં ઓલઆઉટ થઈ હતી. સનરાઇઝર્સનો કેમ્પ આ કારમી હારને ભૂલને
સીએસકે સામે વિજયક્રમ પર વાપસી કરી પ્લેઓફ તરફ આગળ વધવા માગે છે. આ માટે તેના ફટકાબાજોએ
ફરી એકવાર પાવર હિટિંગ કરવું પડશે. સનરાઇઝર્સને હેડ, અભિષેક, ઇશાન કલાસેન પાસેથી સારી
ઈનિંગની આશા રહેશે.
બન્ને
ટીમ વચ્ચેના સીઝનના પહેલા મેચમાં સનરાઇઝર્સનો 10 રને વિજય થયો હતો. ચેપોકની ધીમી પીચ
પર સ્પિનરોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. આ મેચમાં પણ ધોનીની વાપસી વિશે કોઈ સંકેત
નથી.