રૂ.82
લાખના 5000 શેર સર્ટિફિકેટ મૂળ માલિકને પરત કરાયા
સુરેન્દ્રનગર,તા.27:
સુરેન્દ્રનગરમાં શેર સર્ટિફિકેટ સાથે જોડાયેલું એક ચોંકાવનારૂ કૌભાંડ સામે આવ્યું છે.
ખોટા દસ્તાવેજો, બનાવટી સહી અને ગેરમાર્ગે દોરતી કાગળપત્રીના આધારે અંદાજિત રૂ.82 લાખની
કિંમતના 5000 જેટલા શેર સર્ટિફિકેટ ગેરકાયદે રીતે પોતાના નામે કરાવી લેવાનો સુનિયોજિત
પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભોગ
બનનાર વ્યક્તિએ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સમક્ષ રજૂઆત
કરતા મામલો ગંભીર બન્યો હતો. અરજદારે પોલીસને જણાવ્યું હતું કે, કેટલાક શખ્સોએ વિશ્વાસનો
લાભ લઈ દસ્તાવેજોમાં છેડછાડ કરી અને શેર સર્ટિફિકેટ પોતાના કબજામાં લઈ લીધા હતા. મામલાની
ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસવડા દ્વારા તાત્કાલિક વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે દસ્તાવેજોની ચકાસણી, સહીની તપાસ, સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ તેમજ ટેક્નિકલ આધારો
એકત્રિત કર્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સમગ્ર કાવતરું ખૂબ જ આયોજનબદ્ધ
રીતે ઘડાયું હતું અને તેમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરીને શેર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પોલીસ
તપાસમાં પુરાવા મજબૂત બનતા સંડોવાયેલા શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તેમની પાસેથી અંદાજિત 5000 જેટલા શેર સર્ટિફિકેટ
કબ્જે કર્યા હતા. હાલના બજારભાવ મુજબ આ શેરોની કિંમત અંદાજિત રૂ.82 લાખ જેટલી હોવાનું
જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા શેર સર્ટિફિકેટ બાદમાં મૂળ હકદારને પરત
સોંપવામાં આવ્યા હતા. પોતાની મૂડી અને હકના શેર પરત મળતા અરજદારે રાહતનો શ્વાસ લીધો
હતો અને સુરેન્દ્રનગર પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.