બસ અધવચ્ચે મૂકી હત્યાને આપ્યો હતો અંજામ
બંને
આરોપી ભાઈઓ પાસેથી હત્યામાં વપરાયેલી બે છરી, બે બાઈક, મોબાઈલ પોલીસે કર્યા જપ્ત
મોરબી,તા.11:
ટંકારાના મેઘપર ઝાલા ગામની સીમમાં જમીન માપણી અને શેઢા પર ખૂંટા મારવાની સામાન્ય બાબતમાં
પાડોશી વાડી માલિકના બે પુત્રોએ ખેડૂતના 22 વર્ષના પુત્ર હર્ષવર્ધનાસિંહ અને તેના કાકા
તેમજ ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલાસિંહ (ઉં.વ. 40)ને છરીના ઘા ઝીંકી હત્યા
કરવામાં આવી હતી. જેમાં એક આરોપી એસ.ટી. વિભાગમાં નોકરી કરતો હોવાનું અને બસ અધવચ્ચે
મૂકી હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.
મેઘપર
ઝાલા ગામે થયેલી હત્યા પાછળનું મુખ્ય કારણ દાયકા જૂનો મૌખિક જમીન સોદો અને વર્તમાન
માપણી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખૂલ્યા મુજબ, આરોપીએ અગાઉ મરણ જનાર પરિવાર
પાસેથી જમીન લીધી હતી અને ત્યારબાદ ત્રીજી જ વ્યક્તિને આપી હતી. આ તમામ સોદાબાજી માત્ર
મૌખિક ધોરણે થઈ હતી. પાછળથી મરણ જનારે આ જમીન પરત મેળવી લીધી હતી. આ ઘટનાના 10 વર્ષ
બાદ, જ્યારે ફરિયાદી પરિવાર પોતાની ભોગવટાની આ જમીનની સરકારી માપણી કરાવીને શેઢા પર
ખૂંટા મારી રહ્યો હતો, ત્યારે બાજુની વાડી આરોપીઓની હોવાથી તેમને ત્યાં બોલાવવામાં
આવ્યા હતા.
આ માપણી
ગમતી ન હોવાથી, એસટી વિભાગમાં નોકરી કરતો આરોપી મહાવીરાસિંહ મહેન્દ્રાસિંહ ઝાલા પોતાની
ફરજ પરની બસ અધવચ્ચે મૂકીને તેના ભાઈ તેજપાલાસિંહ સાથે બાઈક પર ઘટનાસ્થળે ધસી આવ્યો
હતો અને ઉશ્કેરાઈને બંને કાકા-ભત્રીજા પર તીક્ષ્ણ છરીઓ વડે તૂટી પડયો હતો. આ ચકચારી
ડબલ મર્ડરની ઘટના બાદ ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપી ભાઈઓ મહાવીરાસિંહ
ઝાલા અને તેજપાલાસિંહ ઝાલાને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલી
2 છરી, બે બાઈક તેમજ બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.