• શનિવાર, 13 જૂન, 2026

આજથી મહિલા T-20વિશ્વ કપ : ભારત પાસે ઐતિહાસિક ‘ડબલ’ની તક

રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો

આજે પહેલા મેચમાં ઇંગ્લેન્ડ-શ્રીલંકા આમને-સામને

લંડન તા.11: મહિલા ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો શુક્રવાર 12 જૂનથી લંડન અને વેલ્સના યજમાન પદે પ્રારંભ થશે. મહિલા ટી-20 વિશ્વ કપમાં 12 ટીમ વચ્ચે 24 દિવસ સુધી 33 મેચની ટક્કર થશે. પાંચ જુલાઇએ ઐતિહાસિક લોર્ડસ મેદાન પર ફાઇનલ મુકાબલો રમાશે. વર્લ્ડ કપનો ઉદ્ઘાટન મેચ યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે એજબેસ્ટનમાં રમાશે. ભારતીય ચાહકોની નજર 14મીએ રવિવારે રમાનાર પાકિસ્તાન સામેના મેચ પર રહેશે.

હરમનપ્રિત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ પાસે ઐતિહાસિક ડબલ વિશ્વ ખિતાબની ઉપલબ્ધિ હાંસલ કરવાની તક છે. ગયા વર્ષે ભારતીય મહિલા ટીમ વન ડે વર્લ્ડ કપ ખિતાબ જીતી ચૂકી છે અને આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર પૈકીની એક ટીમ છે. જો કે ભારતીય મહિલા ટીમ હજુ સુધી આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકી નથી.

મહિલા ટી-20 વિશ્વ કપમાં ભાગ લઇ રહેલી 12 ટીમને 6-6ના બે ગ્રુપમાં રાખવામાં આવે છે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે. હાલના ફોર્મને જોતા ફરી એકવાર ઓસ્ટ્રેલિયા ટીમ હોટ ફેવરિટ છે. તેની પાસે વિક્રમી 6 ખિતાબ છે. ઈંગ્લેન્ડ અને ભારત પણ ખિતાબના પ્રબળ દાવેદાર છે. વર્તમાન વિજેતા ન્યુઝીલેન્ડ ટીમ ફરી એકવાર ડાર્કહોર્સના લેબલ સાથે ઉતરશે. આ ઉપરાંત સાઉથ આફ્રિકી ટીમને નજરઅંદાજ કરી શકાશે નહીં.

મહિલા ટી-20 વર્લ્ડ કપના તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની ટીવી ચેનલો પર થશે. જયારે લાઇવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પરથી જોવા મળશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક