મોરબી, તા.11: મોરબીની વાવડી ચોકડી પાસે ગત મોડી રાત્રે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રામપાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા અને તેમના પત્ની ભાનુબેન સોઢા ગત રાત્રે 12:30થી 1:00 વાગ્યાના અરસામાં પોતાના સાઢુભાઈના ઘરેથી સીએનજી વાહનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે વાવડી ચોકડી પાસે આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. બેફામ ગતિએ આવતી કારે તેમને ટક્કર મારી હતી. ગાડીમાં સવાર 4થી 5 યુવક ફૂલ નશામાં હોવાનું અને ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ જીવલેણ અકસ્માતમાં ભાનુબેનનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે દિલીપભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.