• શનિવાર, 13 જૂન, 2026

‘સર્વોચ્ચ’ કદર : ગૃહિણી રાષ્ટ્ર નિર્માતા

એક મહત્વના ચૂકાદામાં સુપ્રીમે ગૃહિણીને રાષ્ટ્ર નિર્માતા સમજવા કહ્યું : સડક દુર્ઘટનામાં જીવ ગુમાનારી ગૃહિણીઓ અંગે વળતરની નીતિ સુપ્રીમે બદલી

મહત્ત્વની ટિપ્પણીમાં કહ્યું, ગૃહિણીઓનાં કામને એક શ્રમિકના રોજ સાથે તોલવું અયોગ્ય : 30 હજાર રૂપિયા પ્રતિ મહિના વળતર આપવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 11 : દેશભરમાં સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનારી ગૃહિણીઓના પરિવારોને મળતા વળતરને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઘર સંભાળનારી મહિલાઓને રાષ્ટ્ર નિર્માતાનો દરજ્જો મળવો જોઈએ. કોર્ટે સાફ કહ્યું હતું કે ગૃહિણીઓનાં કામની તુલના કોઈ કુશળ શ્રમિકના રોજથી કરીને તેમનાં યોગદાનને ઓછું આંકવું જોઈએ નહીં.

કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ એન કોટિશ્વર સિંહની બેન્ચે એક નવો સિદ્ધાંત નક્કી કરતા કહ્યું હતું કે, કોઈપણ દુર્ઘટનામાં ગૃહિણીઓનું મૃત્યુ થતાં તેમના દ્વારા કરવામાં આવી દેખરેખ અને ઘરેલુ કામકાજની કિંમત ઓછામાં ઓછા 30,000 રૂપિયા પ્રતિ મહિના (3.6 લાખ રૂપિયા વાર્ષિક) માનવામાં આવશે. સર્વોચ્ચ ન્યાયાલયે ભાર મૂકીને કહ્યું હતું કે આ રકમ ‘પ્રણય સેઠી’ના કેસમાં નક્કી અન્ય તમામ વળતર નિયમોથી અલગ રહેશે.

આવા બનાવમાં અત્યારસુધી દેશની અદાલતો અને એક્સિડેન્ટ ટ્રિબ્યુનલ કોઈપણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારી ગૃહિણીઓનું વળતર નક્કી કરવા માટે એક કાલ્પનિક આવક માનતી હતી. આ માટે રાજ્યના લઘુતમ વેતનને આધાર માનવામાં આવતો હતો. જે ખૂબ જ ઓછો હોય છે.

તેવામાં હવે સુપ્રીમ કોર્ટે જૂના માળખાને ખારિજ કરીને કહ્યું છે કે ઘરેલુ કામ અને દેખરેખની આર્થિક અને સામાજિક કિંમતને માત્ર શ્રમિકોના વેતન સાથે તોલી શકાય નહીં. મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે ભલે તેમને કોઈ વેતન ન મળતું હોય.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આવા બનાવમાં સખત આદેશ આપ્યો હતો અને વળતરમાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, સડક દુર્ઘટનાના દાવાનો ઉકેલ સામાન્ય રીતે એક વર્ષમાં થઈ જવો જોઈએ.

જો પીડિતોને દશકો સુધી રાહ જોવી પડે તો કાયદાનો હેતુ જ ખતમ થઈ જશે.  આ સાથે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોના મુખ્ય ન્યાયાધીશોને અપીલ કરી હતી કે તેઓ પોતે ગૃહિણીઓના કેસમાં વળતરની દેખરેખ કરે અને પ્રશાસનિક નિર્દેશ જાહેર કરીને નક્કી સમયમાં તેનો ઉકેલ સુનિશ્ચિત કરાવે.

કોર્ટે ફરી એક વખત એમ પણ કહ્યું હતું કે, વળતર વ્યવહારીકો હોવું જોઈએ. વળતર છપ્પરફાડ લોટરી જેવું ન હોવું જોઈએ કે પીડિતની મજાક પણ ન બનવી જોઈએ. આ કેસ પંજાબનો હતો. જેમાં 2001માં રેશમા નામના મહિલાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકના પતિ અને ત્રણ બાળકે વળતર પણ કોર્ટમાં અરજી કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક